Site icon Revoi.in

ભારતીય ઓટો સેક્ટરની સ્પીડ વધી: એપ્રિલમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 25.4 ટકાનો વધારો

Social Share

નવી દિલ્હી, 15 મે 2026: ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગે નવા નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત ખૂબ જ ઉત્સાહજનક રીતે કરી છે. વાહન ઉત્પાદકોના સંગઠન એસઆઈએએમ (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, એપ્રિલ 2026 માં પેસેન્જર વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 25.4 ટકાનો મોટો વધારો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતીય બજારમાં વાહનોની માંગ મજબૂત બની રહી છે.

અહેવાલ મુજબ, એપ્રિલ 2026 માં કંપનીઓએ ડીલરોને કુલ 4,37,312 પેસેન્જર વાહનો મોકલ્યા છે, જે ગયા વર્ષે એપ્રિલ 2025 માં 3,48,847 યુનિટ હતા. નિષ્ણાતોના મતે, ગત વર્ષે જીએસટી દરોમાં થયેલા ઘટાડાની હકારાત્મક અસર હજુ પણ બજારમાં જોવા મળી રહી છે. જોકે, ઈરાન યુદ્ધને કારણે કોમોડિટીના ભાવ વધવાની ચિંતા હોવા છતાં ગ્રાહકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. યુટિલિટી વ્હીકલ એટલે કે એસયુવી સેગમેન્ટમાં 21.5 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. એપ્રિલમાં 2,44,280 યુટિલિટી વાહનોનું વેચાણ થયું છે. જ્યારે નાની અને મધ્યમ કદની કારોના વેચાણમાં 32.7 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે, જે વધીને 1,20,945 યુનિટ પર પહોંચી છે. આવી જ રીતે વેનના વેચાણમાં પણ 14.4 ટકાની વૃદ્ધિ સાથે 13,087 યુનિટ વેચાયા છે.

ટુ-વ્હીલર માર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. કુલ ટુ-વ્હીલરનું વેચાણ 28.4 ટકા વધીને 18,72,691 યુનિટ થયું છે. જેમાં મોટરસાઈકલના વેચાણમાં 30.6 ટકા અને સ્કૂટરના વેચાણમાં 26.2 ટકાની વૃદ્ધિ થઈ છે. થ્રી-વ્હીલર સેગમેન્ટે પણ 32.8 ટકાના ગ્રોથ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. એસઆઈએએમ ના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં જે તેજી જોવા મળી હતી, તે જ રફ્તાર નવા વર્ષના પ્રથમ મહિનામાં પણ જળવાઈ રહી છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં બગડતી પરિસ્થિતિને કારણે ખર્ચ વધવાની ચિંતા ચોક્કસ છે, પરંતુ હાલમાં બજારમાં માંગ ઘણી સારી છે.” એપ્રિલ 2026 માં તમામ શ્રેણીના વાહનોનું કુલ જથ્થાબંધ વેચાણ 23,16,671 યુનિટ રહ્યું છે, જે ગયા વર્ષના 18,11,876 યુનિટની સરખામણીએ 27.9 ટકા વધારે છે.

આ પણ વાંચોઃ NEET પેપર લીકઃ સુપ્રીમકોર્ટના નિરીક્ષણ હેઠળ વિસ્તૃત તપાસની કોંગ્રેસ પક્ષની માંગ

Exit mobile version