NEET પેપર લીકઃ સુપ્રીમકોર્ટના નિરીક્ષણ હેઠળ વિસ્તૃત તપાસની કોંગ્રેસ પક્ષની માંગ
- પ્રધાનમંત્રીને પત્ર લખીને તાત્કાલીક હસ્તક્ષેપ અને વ્યવસ્થાગત સુધારાની અપીલ કરતા કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
અમદાવાદ, 15 મે, 2026 – NEET-UG માં પેપર લીક થવાથી દેશના ૨૨ લાખ મેધાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી દીધું છે. આ હવે માત્ર “પરીક્ષાની સમસ્યા” નથી, પરંતુ તે એક રાષ્ટ્રીય આપત્તિ છે જેણે ડોક્ટર્સની આખી પેઢીના સપનાઓને તોડી નાખ્યા છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પેપર લીક માફીયા પર સખત પગલા ભરવા અને વ્યવસ્થામાં મોટા પાયે ખામી અંગે કાયમી સુધારાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ, સંપૂર્ણ જવાબદારી અને સામેલ તમામ વ્યક્તિઓ સામે સખત સજા એ સમયની માંગ છે.
કેન્દ્ર સરકારની જવાબદારી
NEET-UG પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ વ્યવસ્થાગત સુધારાઓ અત્યંત જરૂરી છે, વિદ્યાર્થીઓને લીક-પ્રૂફ અને પારદર્શક વ્યવસ્થાનો અધિકાર છે. લાખો બાળકોનો વિશ્વાસ પરીક્ષા વ્યવસ્થામાં પુનઃસ્થાપિત કરવાની કેન્દ્ર સરકારની જવાબદારી બને છે. પેપર લીક એ ભૂલ નથી, તે સંગઠિત વિશ્વાસઘાત છે. મેરિટ ટકી શકતી નથી જ્યાં ભ્રષ્ટાચાર પરીક્ષાઓ નિયંત્રિત કરે, ભારતના ભવિષ્યના ડોક્ટરોને ટ્રોમા નહીં, પારદર્શિતા જોઈએ છે. આ રાજકીય મુદ્દો નથી આ રાષ્ટ્રીય સંકટ છે. આરોગ્ય વ્યવસ્થા અને યુવાનોનું ભવિષ્ય દાવ પર છે. દેશહિતમાં પ્રધાનમંત્રીશ્રી તરત હસ્તક્ષેપ કરો.
આ પણ વાંચોઃ NEET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, આવતા વર્ષથી ઑનલાઈન પરીક્ષા
પરીક્ષા માફિયાનું સામ્રાજ્ય
NEET-UGમાં વારંવાર પેપર લીક થવાથી NTAની સંપૂર્ણ વ્યવસ્થાગત નિષ્ફળતા, વહીવટી બેદરકારી અને સંગઠિત પરીક્ષા માફિયાનું સામ્રાજ્ય ઉજાગર થયું છે. દેશના ૨૨ લાખ નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ અને ગુજરાતના ૮૫૦૦૦ વિદ્યાર્થીઓના વર્ષોની મહેનત અને સપનાઓને ભ્રષ્ટાચાર અને પેપર લીકે કાયમ માટે નષ્ટ કરી રહ્યા છે. માત્ર પરીક્ષા રદ કરવાથી ન્યાય નથી મળતો ત્યારે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તાત્કાલિક તપાસ કરવામાં આવે. દેશભરનું આખું પેપર લીક નેટવર્ક અને માફીયાઓ ઉપર અસરકારક કામગીરી કરવામાં આવે. પેપરલીકમાં કોચિંગ માફિયાની સંડોવણીની વિસ્તૃત તપાસ કરવામાં આવે. NTAની ડિજિટલ સુરક્ષાની ત્રુટિઓ, દરેક સ્તરે આંતરિક મેળાપીપણા, કૌભાંડ સાથે જોડાયેલા આર્થિક વ્યવહારો સહિતની બાબતોની તપાસ થાય. સરકારને તાત્કાલિક સમય-બંધનકર્તા સુધારાઓની આવશ્યકતા છે.
આ પણ વાંચોઃ ભોજશાળા વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સંકુલને હિન્દુ મંદિર જાહેર કર્યું, પૂજાનો અધિકાર આપ્યો
દેશના ૨૨ લાખ બાળકોના ભવિષ્ય અને NEET સહિતની પ્રવેશ પરીક્ષાઓ અને સરકારી ભરતી પ્રક્રિયાની વિશ્વસનીયતા પુનઃ સ્થાપન માટે પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, NTAની તમામ સિસ્ટમ્સનું સંપૂર્ણ ડિજિટલ ઓડિટ કરવામાં આવે, પ્રશ્નપત્રો અને જવાબપત્રો માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને ફૂલપ્રૂફ વ્યવસ્થા જરૂરી છે, અધિકારીઓ માટે કડક શિક્ષાત્મક જવાબદારી ફ્રેમવર્ક ઊભુ કરવામાં આવે. અવરોધક શિક્ષા સાથે મજબૂત એન્ટી-પેપર લીક કાયદો સાચા અર્થમાં અમલીકરણ કરવામાં આવે. વર્તમાન વહીવટી માળખા બહાર સ્વતંત્ર પરીક્ષા નિયમનકારી સંસ્થાની રચના કરવામાં આવે.


વડાપ્રધાનને કોંગ્રેસનો પત્ર


