ગાંધીનગર, 15 મે 2026: Rs 330 crore allocated for construction of government secondary schools ગુજરાતમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા વર્ગ ખંડો તેમજ શાળાઓના રિનોવેશન તેમજ રિપેરિંગના કામ માટે રાજ્ય સરકારે કુલ રુપિયા 330 કરોડ મંજૂર કર્યા છે. શિક્ષણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઠરાવ મુજબ, સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત મોડેલ સ્કૂલ અને RMSA હેઠળની શાળાઓમાં સુવિધાઓ મજબૂત કરાશે. રાજ્યભરની 242 શાળામાં બાંધકામ અને મરામતના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત સરકારે માધ્યમિક સરકારી શાળાઓ માટે ત્રણ અલગ-અલગ હેડ હેઠળ રકમ ફાળવી છે. તેમાં નવી શાળાઓના બાંધકામ માટે ₹197 કરોડ, 77 શાળાઓમાં વધારાના વર્ગખંડો માટે ₹93 કરોડ અને 32 શાળાઓમાં રિપેરિંગ-રિનોવેશન માટે ₹40 કરોડ ફાળવાયા છે. શિક્ષણ ક્ષેત્રે વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
રાજ્યના શિક્ષણ વિભાગે કામકાજમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે અનેક માર્ગદર્શિકાઓ પણ જાહેર કરી છે. તમામ કામો GEM પોર્ટલ અને નિર્ધારિત ટેન્ડર પ્રક્રિયા મારફતે જ કરવામાં આવશે. બાંધકામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તકનિકી મંજૂરી, સમયમર્યાદા અને ગુણવત્તા નિયંત્રણ અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ ગ્રાન્ટની આગામી હપ્તાની ચુકવણી કરવામાં આવશે. સાથે જ બાંધકામ દરમિયાન સલામતીના નિયમો, ઇન્સ્યોરન્સ કવર અને ઓપરેશન-મેન્ટેનન્સની જવાબદારી પણ સંબંધિત એજન્સીને સોંપવામાં આવશે.
આ ફાળવણીથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની સરકારી શાળાઓમાં અભ્યાસનું માહોલ વધુ સારું બનશે. જૂની અને જર્જરિત ઇમારતોના રિનોવેશનથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળશે. નવા વર્ગખંડ સુવિધાથી વધતા વિદ્યાર્થીઓના ભારણને પહોંચી વળવામાં પણ મદદ મળશે. શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


