Site icon Revoi.in

ભારતીય સંસ્કૃતિ લોકોના દિલ જીતવાની પ્રેરણા આપે છેઃ રાજ્યપાલ

Social Share

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા 14 માં ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના પ્રવાસે આવેલા ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના 40 આદિવાસી યુવાઓ સાથે રાજભવન ખાતે સંવાદ કર્યો હતો. રાજયપાલએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, યુવાઓ માટે વિકાસનું આકાશ ખુલ્લુ છે, ત્યારે શ્રેષ્ઠ શિક્ષણ અને ઇનોવેટીવ અભિગમ સાથે યુવાનો સફળતાના નવા શિખર હાંસલ કરે. તેમણે જણાવ્યુ હતુ કે, યુવા શક્તિના સામર્થ્યથી દેશ વિકાસની નવી ઊંચાઇ પ્રાપ્ત કરશે.

કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા નકસલવાદથી પ્રભાવિત ક્ષેત્રોના આદિવાસી યુવાના દેશના અન્ય રાજ્યોના યુવાનો સાથે સંવાદ કરી શકે તે ઉદેશ્યથી ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ યોજવામાં આવે છે. આ પ્રોગ્રામ અંતર્ગત નક્સલવાદ પ્રભાવિત ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના 200 આદિવાસી યુવાનોને ગુજરાતના એક સપ્તાહના પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન, અમદાવાદ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે.

ગુજરાતના પ્રવાસે આવેલા આદિવાસી યુવાનોએ ગુજરાતની કલા-સંસ્કૃતિ, ઔધોગિક વિકાસ અને શિક્ષણ સુવિધાઓની માહિતી મેળવી પ્રેરણા મેળવી હતી.  તેમણે ગુજરાત વિધાનસભાની પણ મુલાકાત લીધી હતી.

આ યુવાનોને પ્રેરિત કરતા રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, સંઘર્ષનો માર્ગ ક્યારેય સુખ આપતો નથી. ભારતીય સંસ્કૃતિ ક્યારેય યુદ્ધ દ્વારા કોઇનો પ્રદેશ જીતવાની નહીં, પરંતુ વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના સાથે સમગ્ર વિશ્વના માનવીઓના દિલ જીતવાની પ્રેરણા આપે છે. તેમણે યુવાનોને સંઘર્ષના માર્ગે નહીં, પરંતુ શિક્ષણ અને સંસ્કારના માર્ગે જ જીવનનું સાચુ સુખ મેળવી શકાય તેમ જણાવી તેમને શિક્ષણની સાધના માટે સંકલ્પબદ્ધ કર્યા હતા.