Site icon Revoi.in

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત: FY27 માં 6.9 ટકા GDP ગ્રોથનો RBI નો અંદાજ

Social Share

મુંબઈ, 29 મે 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતા વૈશ્વિક તણાવ છતાં ભારતીય અર્થતંત્ર પોતાની મજબૂતાઈ જાળવી રાખવા માટે સંપૂર્ણ સજ્જ છે. ભારતીય રિઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલ 2025-26 માં જણાવ્યું છે કે મજબૂત સ્થાનિક પાયાના દમ પર ભારત આર્થિક વિકાસની ઝડપી રાહ પર આગળ વધતું રહેશે. કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો રિયલ જીડીપી ગ્રોથ 6.9 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

રિપોર્ટ મુજબ, કોર્પોરેટ અને બેંકિંગ સેક્ટરની હેલ્ધી બેલેન્સ શીટ અને સરકાર દ્વારા કેપિટલ એક્સપેન્ડિચર (મૂડીગત ખર્ચ) પર સતત અપાતો ભાર આ મજબૂત વિકાસ યાત્રાને સપોર્ટ કરશે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારત 7.6 ટકાના અંદાજિત જીડીપી ગ્રોથ સાથે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું હતું, જે અગાઉના વર્ષના 7.1 ટકાની સરખામણીએ ઘણું સારું છે. આ વિકાસ દરને મજબૂત સ્થાનિક વપરાશ, સતત રોકાણ અને સક્રિય નીતિગત નિર્ણયોનું પીઠબળ મળ્યું છે.

આરબીઆઈએ ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયાનો વિવાદ ૨૦૨૬માં વૈશ્વિક વિકાસ માટે સૌથી મોટો અવરોધ બનીને ઉભર્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય બજારો માટે જોખમ ઊભું થયું છે. કાચા તેલની ઊંચી કિંમતો અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે મોંઘવારીનું દબાણ વધી શકે છે. નાણાકીય વર્ષ 2026-27 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી દર 4.6 ટકા રહેવાનો અંદાજ છે, જે 2-25-26ના 2.1 ટકાના નીચલા સ્તરની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે. આ ભૂ-રાજકીય જોખમોને કારણે ઇનપુટ અને મજૂરી ખર્ચ વધવાની સાથે વિનિમય દરમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

રાજકોષીય મોરચે કેન્દ્ર સરકારના સતત પ્રયાસો સફળ થતા જોવા મળી રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 માટે ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ) જીડીપીના 4.4 ટકા રહી હતી, જે સરકારના 4.5 ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંકથી પણ નીચે છે. સરકારે હવે નાણાકીય વર્ષ 2026-27 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક જીડીપીના 4.3 ટકા રાખ્યો છે, જે દેશની આર્થિક શિસ્ત દર્શાવે છે.

મોંઘવારીના બદલાતા જોખમોને જોતા ભવિષ્યમાં નાણાકીય નીતિ અંગે આરબીઆઈ સાવચેતીભર્યું વલણ અપનાવી શકે છે. 2025-26 દરમિયાન મોંઘવારીમાં મોટા ઘટાડાને કારણે મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટમાં 100 બેસિસ પોઈન્ટ્સનો (1 ટકા) ઘટાડો કર્યો હતો. જો કે, એપ્રિલ 2026માં એમપીસીએ વધેલા વૈશ્વિક જોખમો વચ્ચે વિકાસ અને મોંઘવારીના ચિત્રને જોતા સર્વસંમતિથી રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો અને પોતાનું વલણ ‘ન્યૂટ્રલ’ રાખ્યું છે.

ભલે પશ્ચિમ એશિયાનો વિવાદ લાંબો ખેંચાવાનું જોખમ તોળાઈ રહ્યું હોય, પરંતુ ભારતના મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ અર્થતંત્રને ટકાવી રાખશે. અનિશ્ચિત વૈશ્વિક વાતાવરણ અને સપ્લાય ચેઈનના આંચકાઓ વચ્ચે પણ મજબૂત સ્થાનિક માંગ ભારત માટે મુખ્ય ‘ગ્રોથ ડ્રાઈવર’ બની રહેશે.

Exit mobile version