Site icon Revoi.in

મિડલ ઈસ્ટમાં તણાવને પગલે ભારતીય વિમાનોના રૂટ બદલાયા

Social Share

નવી દિલ્હી, 16 માર્ચ 2028: ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય વિમાન સેવાઓ પર જોવા મળી રહી છે. મુસાફરોની સુરક્ષા અને ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એર ઈન્ડિયા અને અન્ય એરલાઈન્સે કમર કસી છે.

પશ્ચિમ એશિયાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા કુલ 48 ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે. ભારતીય શહેરો અને જેદ્દાહ વચ્ચે કુલ 10 ફ્લાઈટ્સ ઉડાન ભરશે. મસ્કત અને ભારત વચ્ચે કુલ 12 ફ્લાઈટ્સનું સંચાલન થશે. એર ઈન્ડિયા દિલ્હી અને મુંબઈથી એક-એક રિટર્ન સર્વિસ ઓપરેટ કરશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ બેંગલુરુ, કોઝિકોડ અને મેંગલોરથી એક-એક ફ્લાઈટ ચલાવશે. આ ઉપરાંત કોચીથી 2 અને દિલ્હી, કન્નુર, મુંબઈ તેમજ તિરુવનંતપુરમથી એક-એક ફ્લાઈટ મસ્કત માટે રવાના થશે.

સ્પાઈસ જેટ UAE ના ફુજૈરાહથી ભારત માટે અને દુબઈથી પુણે માટે ખાસ ફ્લાઈટ્સનું સંચાલન કરી રહ્યું છે. કતાર એરવેઝ પશ્ચિમ એશિયામાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે નવી દિલ્હી, મુંબઈ અને કોચી જેવા શહેરો માટે વિશેષ ફ્લાઈટ્સનું આયોજન કરી રહી છે. બહેરીનનું એરસ્પેસ બંધ હોવાને કારણે ગલ્ફ એરની કેટલીક ફ્લાઈટ્સ દમ્મામના કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેટ કરવામાં આવી રહી છે.

રૂટમાં ફેરફાર અને DGCA ના નવા નિયમો અનુસાર, ઈરાન અને ઈરાકનું એરસ્પેસ પ્રતિબંધિત હોવાને કારણે ફ્લાઈટ્સને લાંબા અને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. રૂટ બદલાવાને કારણે ફ્લાઈટના સમયમાં નોંધપાત્ર વધારો થયો છે. લાંબા સમય સુધી ઉડાન ભરવાને કારણે એર ઈન્ડિયાના પાઈલટ્સ અને ક્રૂ મેમ્બર્સ માટે DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ ફ્લાઈટ ડ્યુટીના નિયમોમાં કામચલાઉ છૂટછાટ આપી છે.

મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરીને યુદ્ધની બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઈન્સે મુસાફરોને વિનંતી કરી છે કે એરપોર્ટ જવા નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લેવું, કારણ કે શિડ્યુલમાં ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ ઓડિશાના કટકની હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 10ના મોત

Exit mobile version