Site icon Revoi.in

હોર્મુઝની ખાડીમાંથી ભારતના પુષ્પક અને પરિમલ ટેન્કરો સુરક્ષિત પસાર થયા

Social Share

નવી દિલ્હી, 12 માર્ચ 2026: ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 13મા દિવસે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા હોર્મુઝ જળડમરુમધ્યમાંથી ભારતીય ધ્વજ ધરાવતા જહાજોને પસાર થવાની ઈરાને મંજૂરી આપી દીધી છે. આ સફળતા પાછળ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની સચોટ કૂટનીતિ હોવાનું માનવામાં આવે છે. દરમિયાન બે ભારતીય ટેન્કર અહીંથી સરળતાથી પસાર થયાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ આ સહમતી બની છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ઈઝરાયેલના જહાજો માટે આ માર્ગ હજુ પણ જોખમી અને બંધ જેવો છે, ત્યારે ભારતીય જહાજોને મળેલી આ છૂટ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા દર્શાવે છે.

અહેવાલો અનુસાર, ભારતના બે મોટા ટેન્કરો ‘પુષ્પક’ અને ‘પરિમલ’ આ જોખમી ગણાતા વિસ્તારમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે. આ સિવાય, બે દિવસ પહેલા સાઉદી અરેબિયાનું ક્રૂડ ઓઈલ લઈને આવી રહેલું એક લાઈબેરિયન ધ્વજ ધરાવતું જહાજ, જેના કેપ્ટન ભારતીય હતા, તે પણ સુરક્ષિત રીતે મુંબઈ પોર્ટ પર પહોંચ્યું છે.

યુદ્ધ શરૂ થયા બાદ આ વોટરવે પરથી પસાર થનારું તે પ્રથમ જહાજ બન્યું છે. હોર્મુઝની ખાડી એ વિશ્વના તેલ વેપાર માટેની લાઈફલાઈન સમાન છે. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે આ માર્ગ પર દરિયાઈ ટ્રાફિક લગભગ થંભી ગયો હતો, જેના કારણે ભારતમાં તેલના પુરવઠા અને ભાવ પર સંકટના વાદળો છવાયા હતા. પરંતુ હવે ઈરાનના આ નિર્ણયથી ભારતને ઊર્જા સુરક્ષા બાબતે મોટી રાહત મળી છે.

આ પણ વાંચોઃ જમ્મુમાં પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર હુમલાનો પ્રયાસ, આરોપી ઝડપાયો

Exit mobile version