Site icon Revoi.in

વૈશ્વિક વેપારમાં ભારતનો દબદબો: ચીન સાથે દ્વિપક્ષીય વેપાર 155 અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ

Social Share

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત અત્યારે વૈશ્વિક વેપારના કેન્દ્રમાં છે. એક તરફ અમેરિકા સાથે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વિવાદનો અંત આવ્યો છે અને ટેરિફ ઘટીને 18 ટકાથયો છે, તો બીજી તરફ ચીન સાથેના વેપાર સંબંધોમાં પણ નવો પ્રાણ ફૂંકાયો છે. વર્ષ 2025માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 155.6 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે, જે એક નવો વિક્રમ છે. ભારત અને ચીન વચ્ચે લાબાં સમયથી સરહદને લઈને વિવાદ ચાલતો હતો. જો કે, બંને દેશ વચ્ચે વેપારને કોઈ અસર થઈ ન હતી.

નવી દિલ્હીમાં આયોજિત ‘ચીની નવવર્ષ 2026’ના કાર્યક્રમમાં ચીની રાજદૂત ઝૂ ફેઈહોંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 2024ની સરખામણીએ 2025માં વેપારમાં 12 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. ચીન ખાતે ભારતની નિકાસમાં 9.7 ટકાનો વધારો થયો છે, જે ભારતીય ઉત્પાદનોની વધતી માંગ દર્શાવે છે. ઓગસ્ટમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની સફળ બેઠક બાદ બંને દેશોના સંબંધો ‘નવી શરૂઆત’ તરફ આગળ વધી રહ્યા છે.

રાજદૂત ઝૂ ફેઈહોંગે ઉમેર્યું હતું કે ચીનનો ‘રાષ્ટ્રીય સ્તરની આત્મનિર્ભરતા’ પરનો ભાર અને ભારતની ‘આત્મનિર્ભર ભારત’ વ્યૂહરચના એકબીજા સાથે મેળ ખાય છે. વેપારમાં થયેલો આ વધારો બંને દેશો વચ્ચેના સુધરતા સંબંધોનો જીવંત પુરાવો છે. કોલકાતામાં આયોજિત ‘સ્પ્રિંગ ફેસ્ટિવલ’ દરમિયાન ચીની મહાવાણિજ્યદૂત ઝૂ વેઈએ ભારત-ચીન જોડાણ પર ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ્સની સંખ્યા વધારવા માટે બંને સ્તરે વાતચીત ચાલી રહી છે. ભારત સરકાર દ્વારા વિઝા પ્રતિબંધો હળવા કરાતા ચીની પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભારત આવે તેવી આશા છે.

આ પણ વાંચોઃ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે પાકિસ્તાનમાં PM શરીફ અને મુનીર થયા ભારે ટ્રોલ, VIDEO વાયરલ

 

Exit mobile version