Site icon Revoi.in

દુનિયામાં ભારતનો દબદબો યથાવત, સૈન્ય શક્તિમાં ચોથા ક્રમે

Social Share

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: વિશ્વભરમાં હાલ 52 જેટલા સક્રિય સૈન્ય સંઘર્ષો અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ‘ગ્લોબલ ફાયરપાવર’ દ્વારા વર્ષ 2026નું સૈન્ય શક્તિ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 145 દેશોની પરંપરાગત યુદ્ધ ક્ષમતાના વિશ્લેષણ બાદ જાહેર થયેલા આ રિપોર્ટમાં ભારતે ફરી એકવાર વિશ્વમાં પોતાની તાકાત બતાવી છે. ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ચોથા સ્થાને યથાવત રહ્યું છે.

ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સમાં જે દેશનો સ્કોર 0.0000 ની જેટલો નજીક હોય, તેટલો તે દેશ વધુ શક્તિશાળી ગણાય છે. અમેરિકાનો સ્કોર 0.0741, રશિયાનો 0.0791, ચીનનો 0.0919 , ભારતનો 0.1346 પાવર ઈન્ડેક્સ સ્કોર છે. ભારત 0.1346 ના સ્કોર સાથે ચોથા સ્થાને છે. સંરક્ષણ ક્ષેત્રે વધતું સ્વદેશીકરણ , વિશાળ સૈન્ય સંખ્યાબળ અને મજબૂત લોજિસ્ટિક્સ ક્ષમતાને કારણે ભારતની સ્થિતિ વધુ સુદ્રઢ બની છે. બીજી તરફ, દક્ષિણ કોરિયાએ પોતાની આધુનિક સૈન્ય ટેકનિકના દમ પર પાંચમું સ્થાન હાંસલ કર્યું છે.

આ રેન્કિંગમાં પાકિસ્તાન માટે માઠા સમાચાર છે. પાકિસ્તાન સતત ત્રીજા વર્ષે રેન્કિંગમાં નીચે સરકી રહ્યું છે. પાકિસ્તાન વર્ષ 2024માં 9માં ક્રમે હતું. જ્યારે વર્ષ 2025માં ગબડીને 12માં તથા 2026ના તાજા રેન્કિંગ અનુસાર પાકિસ્તાન હવે 14માં ક્રમે પહોંચ્યું છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી ગંભીર આર્થિક કટોકટી અને સૈન્ય આધુનિકીકરણની ધીમી ગતિ આ પતન માટે જવાબદાર છે. વધુમાં, ગત વર્ષે મે મહિનામાં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનના સૈન્ય માળખા અને હથિયારોને થયેલા ભારે નુકસાનની સીધી અસર આ રેન્કિંગ પર જોવા મળી છે.

ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ માત્ર હથિયારોની સંખ્યા જ નથી જોતું, પરંતુ તે 60 થી વધુ પરિબળોના ઊંડા વિશ્લેષણ પર આધારિત હોય છે. જેમાં સૈનિકોની સંખ્યા, વાયુસેના, નૌકાદળ અને ભૂમિસેનાની તાકાત, દેશની ભૌગોલિક સ્થિતિ, લોજિસ્ટિક્સ અને પરિવહન ક્ષમતા અને આર્થિક સ્થિતિ અને સંરક્ષણ બજેટનો સમાવેશ થાય છે. આ સ્કોરિંગ સિસ્ટમમાં 0.0000 ને ‘પરફેક્ટ સ્કોર’ માનવામાં આવે છે, જે હજુ સુધી કોઈ દેશે હાંસલ કર્યો નથી. ભારત જે રીતે આ યાદીમાં ટોપ-5 માં જળવાઈ રહ્યું છે, તે તેની વધતી જતી વૈશ્વિક સત્તાનો પુરાવો છે.

 

Exit mobile version