નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025 : ભારત અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના એક નવા યુગના ઉંબરે ઉભું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ‘IndiaAI Mission’ હેઠળ આગામી પાંચ વર્ષ માટે રૂ. 10,300 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 38,000 GPUs (ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ) તૈનાત કરી દેવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને AI ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો છે.
- સામાન્ય નાગરિકોના જીવનમાં આવશે પરિવર્તન
સરકારી નિવેદન અનુસાર, આ મિશનનો હેતુ માત્ર ટેકનોલોજી વિકસાવવાનો નથી, પરંતુ ખેતી, આરોગ્ય, શિક્ષણ અને સુશાસન જેવા ક્ષેત્રોમાં AI નો ઉપયોગ કરી સામાન્ય નાગરિકો સુધી તેનો લાભ પહોંચાડવાનો છે. ‘ડિજિટલ શ્રમસેતુ’ જેવા કાર્યક્રમો દ્વારા રિસર્ચ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવામાં આવી રહ્યો છે.
- અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે AI
ભારતીય ટેક ઉદ્યોગની વાર્ષિક આવક આ વર્ષે 280 અબજ ડોલર થી વધુ થવાની અપેક્ષા છે. નિષ્ણાતોના મતે હાલમાં આશરે 60 લાખ લોકો ટેક અને AI સેક્ટરમાં કાર્યરત છે. અનુમાન છે કે વર્ષ 2035 સુધીમાં AI ભારતના અર્થતંત્રમાં 1.7 ટ્રિલિયન ડોલરનું યોગદાન આપી શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ‘2025 ગ્લોબલ AI વાઈબ્રન્સી’ રિપોર્ટમાં ભારતને વૈશ્વિક AI સ્પર્ધામાં ત્રીજું સ્થાન મળ્યું છે.
ભારતમાં હાલમાં 1.8 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. ખાસ વાત એ છે કે ગયા વર્ષે શરૂ થયેલા 89% નવા સ્ટાર્ટઅપ્સે પોતાની સેવાઓમાં AI નો ઉપયોગ કર્યો છે. દેશમાં 1,800 થી વધુ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ છે, જેમાંથી 500 થી વધુ માત્ર AI પર કેન્દ્રિત છે.
NASSCOM ના ઇન્ડેક્સ મુજબ, ભારતની આશરે 87% કંપનીઓ સક્રિયપણે AI સોલ્યુશન્સ અપનાવી રહી છે. ખાસ કરીને બેન્કિંગ, વીમો, ઓટોમોબાઈલ અને હેલ્થકેર સેક્ટરમાં AI નો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. લગભગ 26% ભારતીય કંપનીઓ હવે મોટા પાયે AI ટેકનોલોજી લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. સરકારનું માનવું છે કે આ તમામ પ્રયાસો ભારતને વૈશ્વિક AI લીડર બનાવશે અને ‘વિકસિત ભારત 2047’ ના વિઝનને સાકાર કરવામાં મજબૂત પાયો પૂરો પાડશે.
આ પણ વાંચોઃ જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી

