Site icon Revoi.in

યુક્રેનમાં ભારતનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઃ એક કલાકની અંદર જ 242 ભારતીયોને એરલિફ્ટ કરાયાં

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. રશિયાની સેના યુક્રેનની સીમામાં પ્રવેશી ચુકી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આ આક્રમક એક્શનથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા પોતોના નાગરિકોને સહીસલામત બહાર કાઢવા માટે દુનિયાના વિવિધ દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુદ્ધના માહોલ વચ્ચે ભારતે પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે એર ઈન્ડિયાનું પ્લેન મોકલ્યું હતું. એર ઈન્ડિયાની એરલિફ્ટની કામગીરી ખુબ જ મુશ્કેલ ભરી હતી. એરપોર્ટ ગ્રાઉન્ડ ઉપર એરલાઈનનો કોઈ સ્ટાફ હાજર ન હતો. એટલું જ નહીં પ્લેન લેન્ડ થયાની ગણતરીની મિનિટોમાં જ ઉડાન ભરવાનો ટાસ્ટ સરળ ન હતો. એર ઈન્ડિયાને પોતાના નાગરિકોને લઈને નીકળવા માટે માત્ર એક કલાકનો જ સમય મળ્યો હતો. જેને સરળતાથી પાર પાડીને 240થી વધારે ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ કાલા સાગર વિસ્તારથી યુક્રેન એરસ્પેસમાં પ્રવેશ કરવાની હતી. દરમિયાન કિવી એર કન્ટ્રોલએ અંતિમ સમયમાં પ્લેનના રૂટમાં ફેરફાર કર્યો હતો. કિવિના બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતા પ્લેનને નિર્દેશ આપવામાં આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે 60-80 નોટિકલ મીલના અંતરને નાનુ કરીને 40 નોટિકલ મીલ કરવામાં આવ્યું હતું. એર કન્ટ્રોલે ભારતીય પ્લેનના પાયલોટને પૂછ્યું કે, તેમને નવા ઘટાડેલા રૂટ ઉપર લેન્ડિંગથી કોઈ સમસ્યા તો નથી, જ્યારે આ પૂછવામાં આવ્યું ત્યારે ભારતીય પ્લેન એરપોર્ટની ખુબ જ નજીક પહોંચી ગયું હતું.

ભારતીય ફ્લાઈટ એર કન્ટ્રોલની દિશામાં આગળ વધ્યું હતું અને ઈન્ડિયા બોઈંગ ડ્રીમલાઈનર 787એ એરપોર્ટ ઉપર સુરક્ષિત લેન્ડ કર્યું હતું. ક્રુના સભ્યોને ખબર હતી કે, રૂટમાં ફેરફાર સૈન્ય એકશનના કારણે કરવામાં આવ્યો છે. ફ્લાઈટ પાંચ પાયલોટની સાથે યુક્રેનની ધરતી ઉપર ઉતર્યું હતું. એર ઈન્ડિયાની ગણતરી હતી કે, ખોટો સમય બગાડ્યાં કરતા ઝડપથી ભારતીયોને લઈને રવાના થવું છે. 3 એન્જિનિયર અને બે સુરક્ષા કર્મચારીઓને જોઈને 18 ક્રુ મેમ્બર પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યાં હતા. જો કે, એર ઈન્ડિયાના ફ્લાઈટને જોઈને એરપોર્ટ ઉપર ઉભેલા 242 ભારતીયોના ચહેરા ઉપર ખુશી ફેલાઈ હતી.

આ પ્રવાસીઓ ભારતીય ફ્લાઈટની આતુરતાથી રાહ જોતા હતા. ક્રુ મેમ્બર અને અન્ય સ્ટાફે ઝડપથી પોતાની કામગીરી શરૂ કરી હતી અને ફ્લાઈટમાંથી નીચે ઉતરીને ઝડપથી પોત-પોતોની કામગીરીમાં લાગી ગયા હતા. તેમજ તમામ સ્ટાફની ગણતરી એકાદ કલાકમાં ઉડાન ભરવાની હતી. પાયલોટ, સુરક્ષા કર્મચારીઓ અને કેબિન ક્રુ સ્ટાફ પોત-પોતાની કામગીરીમાં લાગી ગયા હતા.

યુક્રેનના કીવમાં એર ઈન્ડિયાની ઉડાન નથી હોતી જેથી અહીં કોઈ ગ્રાઉન્ટ સ્ટાફ નથી. જેના પરિણામે ગ્રાઉન્ડ ઉપર કામ માટે બહારની ટીમ હાયર કરવામાં આવી હતી. કિવીમાં ગ્રાઉન્ડ સ્ટાફ એક કલાક અને 10-15 મિનિટ માટે રાખવામાં આવ્યો હતો. સમય ઝડપથી પસાર થતો હતો પરંતુ ક્રુ મેમ્બર અને સ્ટાફ દ્વારા ઝડપથી કામગીરી કરીને એક કલાકની અંદર જ 242 જેટલા ભારતીયોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટે ઉડાન ભરી હતી. જેથી પ્લેનમાં બેઠેલા ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પણ યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના સમાચાર સામે આવતા ભારતમાં રહેતા તેમના પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. ભારતથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન જાય છે.

(Photo-Social Media)