Site icon Revoi.in

26/11 મુંબઇ હુમલાની વરસી: ઇઝરાયલના ભારતીયોએ મૃતકોને આપી શ્રદ્વાંજલિ, હુમલામાં 6 યહુદીઓના પણ મોત થયા હતા

Social Share

નવી દિલ્હી: આજે મુંબઇ આતંકી હુમલા 26/11ની વરસી છે. દહેશત, ડર, ફફડાટ, ચીસો, આહટ વચ્ચેના મોતના નગ્ન નાચથી અનેક ઘરોમાં અંધકાર ફેલાયો હતો. ન માત્ર ભારતીયો પરંતુ વિદેશમાંથી ભારત પ્રવાસે આવેલા કેટલાક લોકોએ પણ 26/11ના આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 6 યહુદીઓ પણ સામેલ હતા. આ હુમલામાં માર્યા ગયેલા મૃતકોને ઇઝરાયલમાં ભારતીયો યાદ કરે છે.

મુંબઇ 26/11 હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 6 યહુદીઓ પણ માર્યા ગયા હતા. ભારતીય યહુદી સમુદાયના સભ્યો, ભારતીય વિદ્યાર્થીઓ તેમજ ઇઝરાયલમાં રહેતા અને કામ કરતા ભારતીયોએ 26/11ના હુમલાની પૂર્વસંધ્યાએ ઇઝરાયલની તમામ મુખ્ય સંસ્થાઓમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્વાંજલિ આપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ઇઝરાયલના દક્ષિણના શહેર ઇલાતમાં એક કાર્યક્રમ રખાયો હતો. ભારતીય યહુદી સમુદાયના નેતા આઇઝેક સોલોમને જણાવ્યું કે, ભારત અને ઇઝરાયલ આતંકવાદનો શિકાર છે, જો કે બંને દેશો તેમના પાડોશીઓ સાથે શાંતિ ઇચ્છે છે. આતંકીઓનો કોઇ વાસ્તવિક હેતુ હોતો નથી. તેમનું એકમાત્ર લક્ષ્ય લોકોને નુકસાન પહોંચાડવાનું હોય છે. ભારત-ઇઝરાયલ વિશ્વમાં ગમે ત્યાં આતંકવાદની સમસ્યા સામે હંમેશા અવાજ ઉઠાવતા રહેશે.

ઇલાતના ડેપ્યુટી મેયર સ્ટેસ બિલ્કિન પણ હુમલાના પીડિતો સાથે એકતામાં આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેરુસલેમ યુનિવર્સિટી, હિબ્રુ, તેલ અવીવ યુનિવર્સિટી, બેન ગુરિયાન યુનિવર્સિટી અને હૈફામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.