અમદાવાદઃ ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને 1લી મે એટલે કે, ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ’નો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રીએ શ્રમયોગીઓના પ્રશ્નોના નિરાકરણ માટે એક અભૂતપૂર્વ પહેલ હેઠળ ‘શ્રમ સેતુ પોર્ટલ’નું લોન્ચિંગ કર્યું હતું.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે શ્રમિક દિવસની સાથે જ ગુજરાતનો 63મો સ્થાપના દિવસ પણ છે. ગુજરાતની વિકાસયાત્રા આજે સમગ્ર દેશ માટે પ્રેરણા બની છે, ત્યારે ગુજરાતના આ અવિરત વિકાસમાં રાજ્યના શ્રમિકોનું યોગદાન બહુમૂલ્ય રહ્યું છે. રાજ્યના શ્રમયોગીઓ સન્માનભેર જીવન જીવી શકે તે માટે તેમના શિક્ષણ, આરોગ્ય, આવાસ અને આહાર સહિતની જીવન જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના શ્રમિકોને આર્થિક સંકટનો સામનો ન કરવો પડે તે માટે તેમના લઘુત્તમ વેતનમાં આજસુધીનો સૌથી વધુ 25 ટકા જેટલો વધારો કર્યો છે. આ ઉપરાંત માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે શ્રમિકોને ભોજન પણ પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના યુવાનો માટે રોજગારી ઉભી કરવા માટે રાજ્ય સરકાર સ્કિલ ડેવલપમેન્ટ પર વધારે ભાર મૂક્યો છે. ગુજરાતમાં આજે સ્કિલ યુનિવર્સિટી અને લગભગ દરેક તાલુકા સુધી પહોંચેલા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોના માધ્યમથી સ્કિલ્ડ મેનપાવર તૈયાર થઇ રહ્યો છે. જેથી આવનાર સમયમાં ઉદ્યોગોને તેમની જરૂરિયાત અનુસાર સ્કિલ્ડ મેનપાવર મળશે અને સાથે સાથે રાજ્યમાં રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાના ૨૫૬૮ જેટલા લાભાર્થીઓને રૂ. 3.83 કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી, તેમજ મહાનુભાવોના હસ્તે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં હાથ ધરવામાં આવેલી કામગીરી દર્શાવતા ‘શ્રમ યાત્રા’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા ઔદ્યોગિક પર્યાવરણીય જોખમો ઉપર નિયંત્રણ મેળવવાની કુશળતા શીખવતા ‘સર્ટીફીકેટ કોર્ષ ઇન ઇન્ડસ્ટ્રીયલ હાઈજીન’ ના વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર શ્રમિકોના દ્વારે પહોંચી તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે તે માટે ટેકનોલોજી અને કાયદાના સુભગ સમન્વયથી ‘શ્રમ સેતુ પોર્ટલ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રમયોગીઓને ‘ગ્રેજ્યુઈટી ચૂકવણી અધિનિયમ’નો લાભ સરળતાથી મળી રહે, તેમજ ‘ઔદ્યોગિક વિવાદ અધિનિયમ’ હેઠળ છૂટા કરવાના કે માંગણીને લગતા પ્રશ્નોનું સરળતાથી નિવારણ થાય તે માટે ‘કેસ એન્ડ કલેઈમ મોડ્યુલ’ વિકસાવવામાં આવ્યું છે. જ્યારે નિરીક્ષણથી લઇ કોમ્પ્લાયન્સ સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી થાય, અધિકારીઓની જવાબદારી નિશ્ચિત થાય અને દેખરેખ સરળ બને તે માટે ‘ઇન્સ્પેકશન મોડ્યુલ’ પણ વિકસાવવામાં આવ્યું છે.