Site icon Revoi.in

રશિયા-યુક્રેન વચ્ચે વધી તંગદિલી, રશિયાએ યુક્રેન સરહદે સૈનિકો ખડક્યા

Social Share

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલી સતત વધતી જાય છે. રશિયાએ યુક્રેનની સરહદે 80 હજાર સૈનિકો ખડકી દીધા છે. યુક્રેનના કેટલાક પ્રાંત પર રશિયા પોતાનો દાવો હોવાનું ગણાવે છે. વર્ષ 2014માં પણ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. હવે ફરીથી રશિયાની હુમલો કરવાની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે. રશિયા જો હુમલો કરશે તો બ્રિટન તેમજ અમેરિકા યુક્રેનના પક્ષે રહેશે એવી સ્પષ્ટતા પહેલા જ બન્ને દેશોએ કરી દીધી છે.

બ્રિટનની વાત કરીએ તે બ્રિટને યુક્રેનના પાડોશી રોમાનિયાની સરહદે પોતાના લડાકૂ વિમાનો તૈનાત કર્યા છે. બ્રિટિશ વાયુસેનાના વડાએ જણાવ્યું હતું કે, અત્યારે 6 યુરોફાઇટર ટાયકૂન ત્યાં પેટ્રોલિંગ માટે મોકલાયા છે. અર્થાત્ રશિયાની ગતિવિધિ ગંભીર છે અને તેની સામે બ્રિટન-અમેરિકા પણ ગંભીરતાથી પ્રતિક્રિયા આપે તેવી શક્યતા છે. સરહદે ટનલો ખોદીને યુક્રેનના સૈનિકો ગોઠવાયા છે.

યુક્રેનના પ્રેસિડેન્ટ વોલ્દીમીર ઝિલિન્સ્કીએ સરહદી વિસ્તારની મુલાકાત લઈને સૈનિકોનો ઉત્સાહ વધાર્યો હતો. યુક્રેને ક્યારની સૈન્ય ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. એટલે યુક્રેન પણ રશિયાનું સૈન્ય બળુકું હોવા છતાં તેની સામે ઝૂકવાના મૂડમાં નથી.

યુક્રેનના પ્રમુખે આ અંગે કહ્યું હતું કે, રશિયાના નાના-મોટા હુમલા ચાલુ જ છે અને એમાં અમારા ચાર સૈનિકો શહીદ પણ થયા છે. માટે રશિયન પ્રમુખ પુતિન સાથે વાટાઘાટો કરવા માટે અમે પ્રસ્તાવ મોકલ્યો છે.

બીજી તરફ રશિયન સૂત્રોએ કહ્યું કે, અમે યુદ્વથી એક જ પગલું દૂર છીએ. રશિયા બેશકપણે એક મોટો દેશ છે, પણ યુક્રેને તેની સામે ઝુકવાનું વલણ દર્શાવ્યું નથી. બંને દેશ વચ્ચેની અગાઉની શાંતિવાર્તાઓ પણ નિષ્ફળ નિવડી છે.

(સંકેત)