Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 21778 હેકટરમાં બાજરીનું વાવેતર

Social Share

અમદાવાદઃ સમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠા છે પછી તે આબોહવા પરિવર્તન, કોરોના પછીની આર્થિક સુધારણા અથવા રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ કેમ ન હોય. કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે જાડા ધાનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. વર્ષ 2021માં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મોકલ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ભારતના પ્રસ્તાવને સ્વીકારી વર્ષ 2023ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” ઘોષિત કર્યું છે. જેને 70થી વધુ દેશોએ સમર્થન આપ્યું હતું તથા લોકો બાજરી સહિતના જાડા ધાનને આહારમાં સામેલ કરે તેવી અપીલ પણ કરી હતી.

ચાલુ વર્ષે રાજકોટ જીલ્લામાં 260 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે. રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના જીલ્લામાં કુલ 21776 હેક્ટરમાં બાજરાનું વાવેતર કરવામાં આવ્યું છે. જુવાર, બાજરી, રાગી, રાજગરો વગેરે જેવા જાડા ધાનને અંગ્રેજીમાં “મિલેટ્સ” તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં તો 2018માં જ મિલેટ્સ વર્ષ ઉજવાયું હતું. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વનું પ્રતિબિંબ સ્પષ્ટ કરે છે. આ સફળતાથી કૃષિ વૈજ્ઞાનિકો અને સ્ટાર્ટ-અપ્સ માટે સંશોધનની નવી તકો ઉભી થશે. આ ઉજવણીના કારણે ભારતમાં પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાતા જુવાર, બાજરી, રાજગરો, રાગી જેવા પૌષ્ટિક જાડા ધાનનું મહત્વ દુનિયાની સામે આવશે. ઉલ્લેખનીય છે કે, જાડા ધાનને ખોરાક તરીકે પ્રોત્સાહન આપવા તથા વધુ ટકાઉ જીવનશૈલી માટે “લાઈફ-લાઈફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ” માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આહવાનનો સમગ્ર વિશ્વમાં પડઘો પડ્યો છે.

નીતિ આયોગ દ્વારા યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે એક એમઓયુ કરવામાં આવ્યું છે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ જાડા ધાનને મુખ્ય પ્રવાહમાં લાવી નાના અને સીમાંત ખેડૂતો માટે ટકાઉ આજીવિકાની તકો ઊભી કરી આબોહવા પરિવર્તન માટે ક્ષમતાઓને અનુકૂલિત કરી ખાદ્ય પ્રણાલીઓમાં પરિવર્તન લાવવાનો છે. જેથી ભારતમાં ઉન્નત ખોરાક અને પોષણ સુરક્ષા માટે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહેલી કૃષિને મજબૂતી આપી શકાય.

એક સમય હતો જ્યારે બાજરી માત્ર ભારત અને પશ્ચિમ આફ્રિકામાં જ ઊગતી હતી, કારણ કે તેના પાકને સૂકી અને નીચી ફળદ્રુપ જમીન અને ઊંચા તાપમાનની જરૂર પડતી હતી. ભારતીય જાડા ધાન્ય તરીકે ઓળખાતા બાજરાને આજે દુનિયા પસંદ કરવા લાગી છે. મિલેટ્સના ઉત્પાદનમાં ભારત મોખરે છે ત્યારે ભારતને મિલેટ્સની વૈશ્વિક રાજધાની બનાવી રોજીંદા આહારમાં મિલેટ્સનો સમાવેશ કરવો જોઈએ. ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ ફોર ધ સેમી એરિડ ટ્રોપિકસે તો બાજરીને સુપર ફૂડ ગણ્યું છે.

બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષક તત્ત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે. બાજરીમાં ઉચ્ચ પ્રોટીન, ફાઇબર, વિટામિન અને લોહ તત્વ જેવા ખનીજો હોય છે. બાજરીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે. રાગીમાં તમામ ખાધ્ય અનાજમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે. આ સ્માર્ટ ફૂડ દરેક બીમારીનો રામબાણ ઈલાજ છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.

આજે ભારતને જોઈને પશ્ચિમના દેશો પણ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યા છે અને આવા પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થયા છે તથા ઉગાડવાનું પણ શરૂ કર્યું છે. ગુજરાત રાજ્યમાં મિલેટ્સનો ઉપયોગ વધુ છે. મિલેટ્સના ફાયદાઓ સવિશેષ પ્રમાણમાં છે. તેના લોટમાંથી બનાવેલા રોટલા મોટા પ્રમાણમાં કાઠીયાવાડમાં ખોરાકમાં લેવામાં આવે છે. આમ સમગ્ર વિશ્વ જ્યારે વર્ષ 2023ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” તરીકે ઉજવી રહ્યું છે ત્યારે આવો, આપણે સૌ પણ “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન આપીને આપણા પારંપરિક અને પૌષ્ટિક ભારતીય ધાનને વૈશ્વિક ઓળખ અપાવીએ.