Site icon Revoi.in

રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં જાહેર સાહસોનું અમૂલ્ય યોગદાનઃ નિર્મલા સીતારમણ

Social Share

અમદાવાદઃ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે આઇકોનિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત ‘રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસોના યોગદાન’ અંગેના ભવ્ય પ્રદર્શન અને પરિષદનો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે આરંભ થયો છે. આ પ્રસંગે પરિષદને સંબોધતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં જાહેર સાહસોનું અમૂલ્ય યોગદાન છે. ભારત સંસ્થાન વાદી શાસનમાંથી આઝાદી મેળવ્યાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે છેલ્લા ૭૫ વર્ષોમાં રાષ્ટ્રના વિકાસમાં સેવારત જાહેર સાહસોની પ્રગતિ દર્શાવવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સંસ્થાઓને દેશના વિકાસમાં આપેલ યોગદાનને દર્શાવવાની તક મળી છે.

નાણા મંત્રીએ વધુમાં કહ્યું કે, જાહેર સાહસોની શરૂઆત ખૂબ જ સ્પષ્ટ સમજણ સાથે કરવામાં આવી હતી કે લાંબાગાળાના રોકાણો સાથે માળખાકીય વિકાસમાં યોગદાન આપે. પરંતુ એ સમયે માત્ર વસાહતી શાસનમાંથી બહાર આવેલા દેશ માટે જ્યાં સુધી સરકાર પોતે રોકાણ અને ક્ષમતાઓનું નિર્માણ ન કરે ત્યાં સુધી લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ શક્ય ન હતા. 1947થી જાહેર સાહસોની સફર શરૂ થઈ અને આજ સુધી ભારતીય અર્થતંત્રને ઊંચુ લાવવામાં અવિરત પોતાનું યોગદાન આપતા રહ્યાં છે. વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણને પરિણામે દેશના ઉદ્યોગ સાહસિકોને રાષ્ટનિર્માણમાં પોતાનું યોગદાન આપવાની ઉત્તમ તક મળી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  ભારતે સંયુક્ત અર્થતંત્ર અપનાવ્યું છે, આ માળખાની વિશેષતા એ છે કે તેમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર એમ બંનેને મહત્વની ભૂમિકા નિભાવવાની તક મળે છે. મુખ્યમંત્રીએ આ પરિષદમાં સહભાગી થઇ રહેલા વિવિધ CPSEsના CEOsને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની અવશ્ય મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

કેન્દ્રીય નાણા મંત્રી અને મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રના સોલાપુર સ્થિત એનટીપીસી તથા કર્ણાટકના બેંગલુરુ સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની વસાહતોનું ‘મિનિ સ્માર્ટ સિટી’ તરીકે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ મિનિ સ્માર્ટ સિટીમાં સોલર પ્લાન્ટ દ્વારા વીજ જરુરિયાત પૂરી કરવાની સાથે વીજળી બચત માટે એલઈડી લાઈટ્સ તેમજ એલઈડી સ્ટ્રીટ લાઈટ્સનો ઉપયોગ થયો છે. અન્ય સુવિધાઓમાં અત્યાધુનિક વાહન સ્કેનિંગ સિસ્ટમ, સ્પીડ નિયંત્રણ પોઈન્ટ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, વગેરેનો સમાવેશ થાય છે.

Exit mobile version