શરીરમાં હિમોગ્લોબિનનું કેન્દ્ર ‘આયર્ન’ ગણાય છે, જે લોહીને ઓક્સિજન વહન કરવાની ક્ષમતા આપે છે. તેની ઉણપથી હિમોગ્લોબિન ઘટી જાય છે અને વ્યક્તિ ‘એનિમિયા’નો શિકાર બને છે. આ ઉપરાંત, વિટામિન B12 પણ લાલ રક્તકણોના ઉત્પાદન અને ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે અનિવાર્ય છે. જો તમને જલ્દી થાક લાગવો, શ્વાસ ફૂલવા, ત્વચા પીળી પડવી કે ગભરામણ થવી જેવા લક્ષણો દેખાય, તો સમજી લેવું કે શરીરમાં લોહીની ઉણપ છે.
નિષ્ણાતોના મતે, ખાસ કરીને મહિલાઓમાં હોર્મોનલ ફેરફાર અને માસિક ધર્મને કારણે લોહીની ઉણપ વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં આયર્ન અને વિટામિન B12 થી ભરપૂર ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે.
- જરદાળુ
જરદાળુ એક ઉત્તમ ફળ છે, જે સીઝનલ તો મળે જ છે પણ ડ્રાય ફ્રૂટ તરીકે બારેમાસ ઉપલબ્ધ હોય છે. USDA ના ડેટા મુજબ, 1 કપ કાપેલી જરદાળુમાં આશરે 0.643 મિલીગ્રામ આયર્ન હોય છે. આ ઉપરાંત તે પ્રોટીન અને ફાઈબરનો પણ મોટો સ્ત્રોત છે.
- ડાર્ક ચોકલેટ
ચોકલેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે! આયર્ન મેળવવા માટે ડાર્ક ચોકલેટ એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. 100 ગ્રામ ડાર્ક ચોકલેટમાં લગભગ 11.9 મિલીગ્રામ આયર્ન હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ્સથી પણ ભરપૂર હોય છે, પરંતુ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
- કોળાના બીજ
કોળું અથવા કદૂના બીજને શેકીને સ્નેક્સ તરીકે ખાઈ શકાય છે. તેને સલાડ કે સૂપમાં પણ ઉમેરી શકાય છે. 100 ગ્રામ કદૂના બીજમાં આશરે 3.31 મિલીગ્રામ આયર્ન જોવા મળે છે.
- ડેરી પ્રોડક્ટ્સ
વિટામિન B12 મોટાભાગે માંસાહારી ખોરાકમાં હોય છે, પરંતુ શાકાહારીઓ માટે દૂધ, દહીં, પનીર અને છાશ શ્રેષ્ઠ વિકલ્પ છે. 1 કપ દૂધમાં આશરે 1.34 માઇક્રોગ્રામ વિટામિન B12 મળે છે. આ ઉપરાંત બજારમાં મળતા ‘ફોર્ટિફાઇડ’ ફૂડ્સ (જેમાં અલગથી પોષક તત્વો ઉમેરાયા હોય) પણ પસંદ કરી શકાય છે.
લોહીની ઉણપના લક્ષણો દેખાય ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ બ્લડ ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે. યોગ્ય આહારની સાથે જીવનશૈલીમાં ફેરફાર કરીને એનિમિયા જેવી ગંભીર સમસ્યાથી બચી શકાય છે.

