તેલ અવીવ, 20 માર્ચ, 2026 – સમગ્ર વિશ્વ પર છવાયેલા ગેસ અને તેલના સંકટ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ વાત કહી છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ જીતી રહ્યા છે અને ઈરાન બરબાદ થઈ રહ્યું છે, કારણ કે તે હવે યુરેનિયમનું સંવર્ધન કરવા કે બેલેસ્ટિક મિસાઈલ બનાવવા માટે સક્ષમ નથી.
બેન્જામિન નેતન્યાહુએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે લોકોની ધારણા કરતાં પણ વધુ ઝડપથી ઈરાન સાથેનું યુદ્ધ ખતમ થઈ જશે.” તેમણે કહ્યું કે પોતે જાણતા નથી કે આ સમયે ઈરાનને કોણ નિયંત્રિત કરી રહ્યું છે. આયાતુલ્લા ખામેનેઈ પછી ઈરાનના સુપ્રીમ લીડર બનેલા મુજ્તબા ખામેનેઈએ હજુ સુધી પોતાનો ચહેરો બતાવ્યો નથી. તેમણે ઉમેર્યું કે અમને એ જ દેખાઈ રહ્યું છે કે ઈરાનમાં નેતૃત્વ કરવાની સ્પર્ધામાં લાગેલા લોકોમાં ભારે તણાવ છે.
ઈરાનની ક્ષમતાઓ પરાસ્ત થઈ ચૂકી છે
નેતન્યાહુએ કહ્યું કે, ઈરાનની ક્ષમતાઓ પરાસ્ત થઈ ચૂકી છે. અમને ખામીઓ દેખાઈ રહી છે, માત્ર ટોચના સ્તરે જ નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર પણ ઘણી ખામીઓ દેખાઈ રહી છે, અમે તેને વહેલી તકે ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે ઈરાન વિશે કહ્યું કે તે તબાહ થઈ રહ્યું છે કારણ કે હવે તે ન તો યુરેનિયમનું સંવર્ધન કરવા સક્ષમ છે અને ન તો બેલેસ્ટિક મિસાઈલ બનાવવા.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં પ્રેમ મંદિર અને ઇસ્કોન મંદિરોમાં પ્રાર્થના કરી
નેતન્યાહુએ તે આરોપોનો પણ જવાબ આપ્યો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલે અમેરિકાને આ યુદ્ધમાં ખેંચ્યું છે. તેમણે કહ્યું, “શું અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ કહી શકે છે કે તેમણે શું કરવું જોઈએ અને શું નહીં?” તેમણે ઉમેર્યું કે અમેરિકા માટે શું સારું છે, તે વિચારીને જ તેઓ નિર્ણય લે છે. અમેરિકા અને ઈઝરાયેલની સેના તથા ઈન્ટેલિજન્સ સર્વિસીસ મળીને પોતાનાં લક્ષ્યો સુધી પહોંચી રહ્યા છે.
બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું કે જ્યારે ઈઝરાયેલે ઈરાનના ગેસ ક્ષેત્ર પર હુમલો કર્યો ત્યારે તે કાર્યવાહી સ્વતંત્ર હતી. તેના જવાબમાં તેહરાને કતરના ગેસ હબ પર હુમલો કરી દીધો.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર શું બોલ્યા ઈઝરાયેલી વડાપ્રધાન?
નેતન્યાહુએ કહ્યું કે અસાલુયે ગેસ કમ્પાઉન્ડ પર હુમલો કરવાનો નિર્ણય ઈઝરાયેલનો પોતાનો હતો. તેમણે જણાવ્યું કે ટ્રમ્પે તેમને આગળના હુમલા રોકવા માટે કહ્યું અને તેઓ તેવું જ કરી રહ્યા છે. અગાઉ ટ્રમ્પે પણ કહ્યું હતું કે તેમણે ઈઝરાયેલને વધુ હુમલા ન કરવા માટે કહ્યું હતું. નેતન્યાહુએ કહ્યું કે અમે સમગ્ર મિડલ ઈસ્ટ અને બલ્કે એમ કહીશ કે અમે સમગ્ર વિશ્વની રક્ષા કરી રહ્યા છીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવા અંગે બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આ રસ્તાને બંધ કરવાના ઈરાનના પ્રયાસો નિષ્ફળ જશે. ઈરાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ બંધ કરીને સમગ્ર વિશ્વને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

