Site icon Revoi.in

ISRO ના મિશન અન્વેષાને ઝટકો: લોન્ચિંગના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

ISRO

ISRO

Social Share

શ્રીહરિકોટા, 12 જાન્યુઆરી 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માટે વર્ષ 2026 ની શરૂઆત આઘાતજનક રહી છે. સોમવાર, 12 જાન્યુઆરીના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલું PSLV C-62 મિશન અંતિમ ક્ષણોમાં મળેલી ટેકનિકલ ક્ષતિને કારણે નિષ્ફળ રહ્યું છે. આ મિશન દ્વારા ભારતનો અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-N1 (અન્વેષા) અવકાશમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજા તબક્કાના અંતે મિશન ખોરવાઈ ગયું હતું.

ઈસરોએ આજે સવારે બરાબર 10 વાગ્યેને 17 મિનિટે સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી PSLV C-62 નું સફળ લિફ્ટ-ઓફ કર્યું હતું. લોન્ચિંગ સમયે તમામ પેરામીટર્સ સામાન્ય જણાતા હતા અને ઓટોમેટિક સિક્વન્સ મુજબ રોકેટ આગળ વધી રહ્યું હતું. જોકે, ત્રીજા ફેઝના છેલ્લા ચરણમાં પહોંચતા જ રોકેટમાં તકનીકી ગરબડ ઊભી થઈ હતી, જેના કારણે સેટેલાઇટ નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો નહોતો.

આ મિશનનું મુખ્ય આકર્ષણ DRDO દ્વારા તૈયાર કરાયેલ હાઈપરસ્પેક્ટ્રલ સેટેલાઇટ ‘અન્વેષા’ હતો. આ સેટેલાઇટની નિષ્ફળતાથી સંરક્ષણ ક્ષેત્રને મોટું નુકસાન થયું છે કારણ કે તે સરહદ પરની હિલચાલ પર બાજ નજર રાખવા માટે સક્ષમ હતો. દુશ્મનના છુપાયેલા લક્ષ્યોને ઓળખવામાં તે ક્રાંતિ લાવી શકે તેમ હતો. તેમજ કુદરતી સંસાધનો અને પર્યાવરણના ફેરફારો પર નજર રાખવા માટે તે મહત્વનો હતો.

ઈસરોની વ્યાવસાયિક પાંખ ‘ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ’ (NSIL) ના આ મિશનમાં ભારત ઉપરાંત વિદેશી ગ્રાહકોના કુલ 14 નેનો સેટેલાઇટ્સ પણ મોકલવામાં આવ્યા હતા. પીએસએલવીની વર્ષ 2025 ની નિષ્ફળતા બાદ આ મિશનને ઈસરો માટે એક મહત્વપૂર્ણ ‘કમબેક’ માનવામાં આવતું હતું, પરંતુ ફરી એકવાર તકનીકી અવરોધે વૈજ્ઞાનિકોની મહેનત પર પાણી ફેરવી દીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈસરોના વૈજ્ઞાનિકો ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે કે ખરેખર ત્રીજા તબક્કામાં કયા કારણોસર ગરબડ સર્જાઈ. આ ક્ષતિના કારણો જાણ્યા બાદ ઈસરો ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન જાહેર કરશે અને આગામી મિશનની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ પણ વાંચોઃહિમાચલપ્રદેશઃ અર્કી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 8 વ્યક્તિના મોતની આશંકા

Exit mobile version