કાનપુર, 22 એપ્રિલ, 2026: એ હિન્દુ હત્યાકાંડ હતો અને એ રીતે યાદ રાખવો જોઈએ તેમ પહલગામ આતંકી હુમલાની વરસીએ એક વર્ષ પહેલાં આ દિવસે કાશ્મીરમાં જેહાદીઓનો શિકાર બનેલા શુભમના પત્નીએ પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું.
કાનપુરના વેપારી શુભમ દ્વિવેદી તે 26 લોકોમાં સામેલ હતા જેમણે બરાબર એક વર્ષ પહેલા કાશ્મીરના પ્રવાસ સ્થળ પહલગામમાં જેહાદી હુમલામાં જીવ ગુમાવ્યો હતો. પહલગામની બાયસરન ખીણમાં આતંકવાદીઓએ 22 એપ્રિલની બપોરે કત્લેઆમ મચાવી હતી અને 26 લોકોની નિર્મમતાથી હત્યા કરી દીધી હતી. શુભમ દ્વિવેદીના પત્ની એશ્ન્યા દ્વિવેદી આજે પણ તે પળોને યાદ કરીને ભાવુક થઈ જાય છે. એશ્ન્યાએ કહ્યું કે, આ ઘટના અમારા જીવનની એવી ઘટના છે જેમાંથી ક્યારેય બહાર નીકળી શકાય તેમ નથી, ન તો તેને ક્યારેય ભૂલી શકાય છે અને ન તો સમય જતાં તેનું દર્દ ક્યારેય ઓછું થઈ શકે છે.
એક સમાચાર ચેનલ એનડીટીવી સાથે વાત કરતા એશ્ન્યાએ પહલગામ આતંકી હુમલાને યાદ કરતા તે દ્રશ્યનો પણ ઉલ્લેખ કર્યો, જ્યારે ગોળી વાગ્યા બાદ તેમના પતિ શુભમ તેમના જ ખોળામાં લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, આ હુમલામાં જીવ ગુમાવનારા લોકોને સન્માન આપવા માટે તેમને શહીદનો દરજ્જો આપવો જોઈએ.
આ પણ વાંચોઃ આતંકના નાપાક ઈરાદાઓ નેસ્તનાબૂદ થશે, પહેલગામ હુમલાની વરસી ઉપર પીએમ મોદીનો હુંકાર
એશ્ન્યાએ જણાવ્યું હતું કે, ‘આ ઘટના જીવનને બદલી નાખનારી છે. આમાંથી ન તો બહાર નીકળી શકાય છે, ન ભૂલી શકાય છે અને ન તો ક્યારેય સમય સાથે આ પીડા ઓછી થઈ શકે છે.’ તેમણે ઉમેર્યું કે, ‘તે દિવસે અમે પણ આતંકીઓની ગોળીનો ભોગ બની શકતા હતા. પરંતુ ભગવાને અમને છોડ્યા છે તો કોઈ કારણસર જ છોડ્યા હશે. હવે બસ જીવન જીવવાનું છે. ભગવાન જે કરાવી રહ્યા છે તે કરતી જાઉં છું. લોકોની જેટલી મદદ થઈ શકે છે એટલી કરી રહી છું.’
‘દરેક હિન્દુસ્તાનીએ યાદ રાખવું જોઈએ’
એશ્ન્યાએ પહલગામ હુમલાને હિન્દુ નરસંહાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘પહલગામમાં થયેલા તે હિન્દુ નરસંહારની યાદ અપાવવા માટે મારે કોઈની પણ સાથે વાત કરવી પડશે તો હું દર વખતે કરીશ. કારણ કે આ ભૂલી જવું ખૂબ જ સરળ છે અને યાદ અપાવતા રહેવું ખૂબ જ મુશ્કેલ છે. તમામ લોકોએ તે 26 લોકોને યાદ રાખવા જોઈએ. ખાસ કરીને તે લોકો જેમણે હિન્દુ હોવાને કારણે પોતાના શરીર પર ગોળીઓ ખાધી છે, દરેક હિન્દુસ્તાનીએ આ યાદ રાખવું જોઈએ.’
પહલગામ હુમલાની વરસી પર એશ્ન્યા દ્વિવેદી બુધવારે કાનપુરમાં એક કાર્યક્રમ પણ કરવાના છે. આ કાર્યક્રમમાં એ તમામ 26 લોકોની યાદમાં કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, અત્યાર સુધી મારી એક જ માંગ રહી છે કે તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો મતલબ આર્મી કે ડિફેન્સના લોકોને જે શહીદનો દરજ્જો મળે છે તેવા દરજ્જાની વાત નથી.
એશ્ન્યાએ કહ્યું, ‘તમારા દેશના કોઈ રહેવાસીને જ્યારે ધર્મને આધારે ટાર્ગેટ કરીને મારવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જાઓ જઈને મોદીને કહી દો, તો તે આપણા વડાપ્રધાન પર હુમલો હતો, જે નિર્દોષોએ પોતાના પર લીધો છે.’ તેમણે ઉમેર્યું કે આ હુમલામાં જે લોકોનું મૃત્યુ છે તેમને યોગ્ય સન્માન આપીને હિન્દુસ્તાન દુનિયામાં એક મિસાલ કાયમ કરી શકે છે.

