Site icon Revoi.in

જહાંગીરપુરી હિંસાઃ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી સુપ્રીમ કોર્ટે અટકાવી

Social Share

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા આજે આરોપીઓના ગેરકાયદે દબાણ દૂર દરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અટકાવી હતી. તેમજ સ્થિતિ જાળવી રાખવા નિર્દેશ કર્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા કોર્ટના આદેશ છતા દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત રાખવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે દિલ્હીના જહાંગીરપુરીમાં ચાલી રહેલા MCDના બુલડોઝર પર બ્રેક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ વિસ્તારમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. જહાંગીરપુરીના કેટલાક રહેવાસીઓએ કોઈપણ સૂચના આપ્યા વિના અતિક્રમણ હટાવવાની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ અંગે સુનાવણી કરતાં ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે તે આ મામલે આવતીકાલે સુનાવણી કરશે.

16 એપ્રિલના હનુમાન જયંતિ નિમિત્તે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં એક મસ્જિદની સામેથી પસાર થઈ રહેલી શોભા યાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. ઘટના દરમિયાન ટોળા તરફથી ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસ ટીમ સાથે પથ્થરમારો અને ગેરવર્તણૂકના પણ કેટલાક બનાવો બન્યા હતા. તે પછી અચાનક 19 એપ્રિલે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જહાંગીરપુરીમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરવાની જાહેરાત કરી. આ કાર્યવાહીને રોકવા માટે જહાંગીરપુરીના કેટલાક રહેવાસીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

Exit mobile version