Site icon Revoi.in

એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષની જવાબદારી જય શાહ જ નિભાવશે

Social Share

નવી દિલ્હીઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ યથાવત રહેશે. જય શાહ સતત ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. જય શાહને અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ શ્રીલંકાએ રજુ કર્યો હતો.

શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ શમ્મી સિલ્વાએ જય શાહનો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલા પણ શમ્મી સિલ્વાએ જય શાહનું નામ આગળ કર્યું હતું. આ પછી અન્ય તમામ સભ્યોએ સર્વાનુમતે જય શાહના નામને મંજૂરી આપી હતી. જય શાહે જાન્યુઆરી 2021માં પ્રથમ વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી. અગાઉ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસન એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખની બાગડોર સંભાળી રહ્યા હતા. હાલમાં ઇન્ડોનેશિયાના બાલીમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના તમામ સભ્યો ભાગ લઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ સિવાય મીડિયા અધિકારો પર ચર્ચા ચાલી રહી છે. આ પહેલા એશિયા કપને લઈને એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એશિયા કપ 2025 ODIને બદલે T20 ફોર્મેટમાં રમાશે. જોકે, એશિયા કપ 2024 ODI ફોર્મેટમાં રમાયો હતો. તેની યજમાની શ્રીલંકાએ કરી હતી. એવું માનવામાં આવે છે કે એશિયા કપ 2025 ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ શકે છે.

Exit mobile version