Site icon Revoi.in

ઝારખંડ: JPSCના પૂર્વ ચેરમેન એલ. ખિયાંગ્તે કથિત પરીક્ષા અનિયમિતતા કેસમાં CID દ્વારા ધરપકડ

Social Share

રાંચી, 10 ઓગસ્ટ 2026: ઝારખંડમાં સરકારી ભરતી અને પરીક્ષાઓને લઈને વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ની 14મી સંયુક્ત અસિવિલ સેવા પ્રારંભિક પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાના કેસમાં JPSCના પૂર્વ ચેરમેન એલ. ખિયાંગ્તેની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી રાજ્યના રાજકારણ અને શૈક્ષણિક બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખિયાંગ્તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, JPSC ની 14મી સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ તેમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા, જેને લઈને રાજ્યભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વચ્ચે જ એલ. ખિયાંગ્તેએ પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું. તેમણે ઈ-મેલના માધ્યમથી પોતાનું રાજીનામું રાજભવન મોકલી આપ્યું હતું, જેને ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવાર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું હતું.

પરીક્ષા પરિણામોમાં ગરબડની ફરિયાદો બાદ આ કેસની તપાસ ઝારખંડ સીઆઈડીને સોંપવામાં આવી હતી. તપાસના ધમધમાટ વચ્ચે સીઆઈડીની ટીમે સીધા JPSC મુખ્યાલય ખાતે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એજન્સીએ આયોગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓની સઘન પૂછપરછ કરી હતી તેમજ પરીક્ષા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને રેકોર્ડ જપ્ત કરીને તેની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી હતી. પૂર્વ ચેરમેન એલ. ખિયાંગ્તેની આ ધરપકડથી સમગ્ર પ્રકરણમાં એક નવો જ મોડ આવી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, JPSC પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને લાંબા સમયથી રાજ્યના વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા હોવી અનિવાર્ય છે. ભૂતકાળમાં પણ આયોગની કામગીરી સામે સવાલો ઉઠતા રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનોએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર મોટા માથાઓ અને દોષિતો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ દોહરાવી છે.

હવે સીઆઈડી એ તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે આ પ્રારંભિક પરીક્ષામાં આટલી મોટી અનિયમિતતા કેવી રીતે આચરવામાં આવી અને આ કૌભાંડ પાછળ કયા-કયા અંદરના કે બહારના લોકો સંડોવાયેલા છે. પૂર્વ ચેરમેનની ધરપકડ બાદ આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Exit mobile version