Site icon Revoi.in

કર્ણાટક : સિદ્ધારમૈયા આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે

Social Share

બેંગ્લોર: કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અન્ય મંત્રીમંડળના સભ્યો સાથે કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડી.કે. શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. સિદ્ધારમૈયાને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે શપથગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે સાડા બાર વાગે કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ડી.કે. શિવકુમારે સિદ્ધારમૈયાને કોંગ્રેસ વિધાયક દળના નવા નેતા તરીકે ચૂંટવાનો ઠરાવ રજૂ કર્યો હતો અને તેને તમામ સભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો.

શપથ ગ્રહણ સમારોહ માટે કાંતિરવા સ્ટેડિયમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ શપથ ગ્રહણ સમારોહ માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાને આમંત્રણ આપ્યું છે. સી.પી.આઈ.એમ.ના નેતા સીતારામ યેચુરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રિતોમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સામેલ છે.

તા. 13મી મેના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગીને લઈને કોકડુ ગુંચવાયું હતું. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સિનિયર નેતાઓ વચ્ચે લંબાણપૂર્વકની ચર્ચા બાદ સીએમ પદની પસંદગીને કોકડુ ઉકેલાયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકના સીએમ તરીકે સિદ્ધારમૈયાની પસંદગી કરાઈ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે ડી.કે.શિવકુમારને જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહીં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્ણાટક પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પણ શિવકુમારને સોંપવામાં આવી છે.