Site icon Revoi.in

કેજરિવાલની મુશ્કેલી વધી, સ્થાનિક કોર્ટના જામીનના આદેશ ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો સ્ટે

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. કેજરીવાલના જામીન મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના આદેશ પર સુનાવણી સુધી સ્ટે રહેશે. એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત નહીં થાય. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન વિરુદ્ધ EDની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે કહ્યું કે, જ્યાં સુધી અમે કેસની સુનાવણી નહીં કરીએ ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં.

હાઈકોર્ટમાં અરજી દાખલ કરતી વખતે EDએ દલીલ કરી હતી કે અમને નીચલી કોર્ટમાં અમારા મંતવ્યો રજૂ કરવાની તક મળી નથી. જેના જવાબમાં કેજરીવાલના વકીલે કહ્યું કે આવું કહેવું યોગ્ય નથી. ગુરુવારે નીચલી અદાલતે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. આવી સ્થિતિમાં કેજરીવાલ શુક્રવારે (21 જૂન, 2024) ના રોજ તિહાર જેલમાંથી બહાર આવી શક્યા હોત, પરંતુ હાઈકોર્ટે સુનાવણી સુધી તેના પર રોક લગાવી દીધી છે.

EDએ ગુરુવારે કોર્ટમાં દલીલ કરી હતી કે, કેજરીવાલ ગુનાની કથિત આવક અને સહ-આરોપી સાથે જોડાયેલા છે. જ્યારે કેજરીવાલના વકીલે કહ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી પાસે આ અંગે કોઈ પુરાવા નથી. આવી સ્થિતિમાં જામીન આપવા જોઈએ. EDએ દાવો કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીની દારૂની નીતિમાં થયેલી ગેરરીતિઓમાં મુખ્ય કાવતરાખોર છે. આ સમગ્ર મામલે AAPના અન્ય ઘણા નેતાઓ પણ સામેલ છે. AAPએ આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ બધું રાજકીય બદલાની ભાવનાથી થઈ રહ્યું છે.

AAP નેતા આતિશી અને અન્ય નેતાઓએ EDના દાવા પર કહ્યું કે, બદલાની રાજનીતિના ભાગરૂપે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ લોકો અમારી સાથે છે. આનો જવાબ આપશે. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Exit mobile version