Site icon Revoi.in

કોલકાતાઃ સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત વિગતો પાક. એજન્સીને પહોંચનાર જાસૂસ ઝડપાયો

Social Share

કોલકાતા, 21 મે 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો કરનાર પાકિસ્તાન સમર્થિત એક જાસૂસની ધરપકડ કરી છે. આ જાસૂસ પર ભારત વિરોધી આતંકી ષડયંત્રના ભાગરૂપે દેશની સુરક્ષા સંબંધિત અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ છૂપી રીતે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સુધી પહોંચાડવાનો ગંભીર આરોપ છે.

મળતી માહિતી મુજબ, કોલકાતાના રહેવાસી ઝફર રિયાઝ ઉર્ફે રિઝવી વિરુદ્ધ અગાઉથી જ ‘લુક આઉટ સર્ક્યુલર’ જાહેર કરવામાં આવ્યો હતો. તેને જ્યારે અટકાયતમાં લેવામાં આવ્યો ત્યારે તેને કાયદાકીય રીતે ‘ભાગેડુ ગુનેગાર’ (પ્રોક્લેમ્ડ ઓફેન્ડર – PO) જાહેર કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. એનઆઈએ દ્વારા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), ‘ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ’ (સરકારી ગુપ્તતા અધિનિયમ) અને UAPAની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ આરોપીએ એક પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા છે અને તેના બાળકો પણ પાકિસ્તાની નાગરિક છે.

પત્ની અને બાળકો પાકિસ્તાની નાગરિક

એનઆઈએની તપાસમાં ખુલાસો થયો છે કે, ઝફર અગાઉ પણ આઈપીએસ અને ‘ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ’ હેઠળ જાસૂસીના એક કેસમાં દોષિત ઠરી ચૂક્યો છે અને સજા ભોગવી ચૂક્યો છે. તે વર્ષ 2005થી સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે અવરજવર કરી રહ્યો હતો. આવી જ એક પાકિસ્તાન યાત્રા દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓએ તેનો સંપર્ક કર્યો હતો. તેને મોટી રકમની આર્થિક લાલચ તેમજ પાકિસ્તાની નાગરિકતા અપાવવાનું વચન આપીને ભારતમાં જાસૂસી પ્રવૃત્તિઓ ચલાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો.

તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જાસૂસી અને આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય સાગરીતોને મદદ કરવા માટે આરોપી ઝફરે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીને ભારતીય મોબાઈલ નંબરોના ‘વન-ટાઇમ પાસવર્ડ’ પુરા પાડ્યા હતા, જેથી પાકિસ્તાની એજન્ટો તે નંબરો પર વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરી શકે. આરોપ છે કે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીએ આ ભારતીય વોટ્સએપ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ‘મોતીરામ જાટ’ નામના અન્ય એક વ્યક્તિ સાથે ગુપ્ત વાતચીત કરી હતી. મોતીરામ જાટ પણ આ કેસમાં સહ-આરોપી છે અને તે પણ પાકિસ્તાની એજન્સીઓ સુધી સેના કે સુરક્ષા દળોની ગુપ્ત માહિતી પહોંચાડવાના કામમાં સંડોવાયેલો હતો. હાલમાં NIA આ આખા જાસૂસી રેકેટના મૂળ સુધી પહોંચવા અને આ ષડયંત્ર પાછળના મોટા માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ ઈરાન પરમાણુ કરાર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઉગ્ર બોલાચાલી

Exit mobile version