Site icon Revoi.in

ટેક્નોલોજી શીખો અથવા નિષ્ણાતોને હાયર કરો, PM મોદીનું BJP સાંસદોને સૂચન

Social Share

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે, સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા વિસ્તારોમાં લોકો સુધી પહોંચો. વડાપ્રધાને કહ્યું કે તમે લોકો સામાજિક મુદ્દાઓ પર કામ કરશો તો પાર્ટીને ફાયદો થશે. આ દરમિયાન તેમણે ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ યોજનાનો પ્રચાર કરીને અને લોકોને જાગૃત કરવાથી રાજ્યમાં લિંગ ગુણોત્તરમાં સુધારો થયો છે. આ સિવાય પીએમ મોદીએ સાંસદો પાસેથી ટેક્નોલોજીના ઉપયોગ પર પણ આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે જેઓ સમજી શકતા નથી, તેઓ નિષ્ણાતોને પણ હાયર કરી શકે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કોઈ પણ રાજકીય પાર્ટીનો નામ લીધા વિના કહ્યું કે, પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની ચૂંટણીમાં વિરોધ પક્ષોને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ દ્વારા 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને આ કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી હતી.

પીએમ મોદીએ સાંસદોને મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર જનતાની વચ્ચે જવાની પણ અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, તમે લોકો વચ્ચે જાઓ અને લોકોને જણાવો કે છેલ્લા 9 વર્ષમાં સરકારે શું કામ કર્યું છે અને કઈ યોજનાઓથી જનતાને ફાયદો થયો છે. આ દિવસોમાં ભાજપ દ્વારા ઓબીસી વોટ બેંક પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે પાર્ટીએ ઓબીસી મોરચાને આ કાર્ય સોંપ્યું છે, જે યોજનાઓનો પ્રચાર કરશે અને પછાત વર્ગના લોકોને જણાવશે કે તેમને શું ફાયદો થયો છે. પીએમે કહ્યું કે જે સાંસદો ટેક્નોલોજી વિશે વધારે જાણતા નથી તેમણે નિષ્ણાતની મદદ લેવી જોઈએ. બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન આ પ્રકારની પ્રથમ બેઠક હતી જેમાં પીએમએ સાંસદોને સંબોધિત કર્યા હતા.

Exit mobile version