Site icon Revoi.in

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ

Social Share

નવી દિલ્હીઃ રામ મંદિર માટે આંદોલન કરનારા સિનિયર નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આતંરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે, રામ મંદિરના આંદોલનના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ડો.મુરલી મનોહર જોશીને તા. 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું છે. રામજીના આંદોલન અંગે ચર્ચા થઈ હતી. બંને સનિયર આગેવાનોએ કહ્યું છે કે, તેઓ આવવાનો પુરો પ્રયાસ કરશે.

આ પહેલા રામ મંદિર નિર્માણના મહાસચિવ ચંપત રાયજીએ જણાવ્યું હતું કે, અમે તેમને ઉંમર સંબંધી કારણોસર નહીં આપવા માટે અપીલ કરી છે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં તમામ તૈયારીઓ 15મી જાન્યુઆરી સુધી પુરી કરી લેવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે પુજા તા. 16મી જાન્યુઆરીએ શરુ થશે જે 22મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

ચંપત રાયજીએ જણાવ્યું હતું કે, પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે શંકારાચાર્યજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ચારેક હજાર સાધુ-સંતોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 2200 જેટલા અન્ય મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ, વૈષ્ણોદેવી સહિતના જાણીતા મંદિરોના પ્રમુખો, ધાર્મિક અને સંવૈધાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રતિષ્ઠા સમારોહ બાદ 24મી જાન્યુઆરીથી ઉત્તર ભારતની પરંપરા અનુસાર 48 દિવસ સુધી મંડલ પુજા થશે. જ્યારે 23મી જાન્યુઆરીથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે.