Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે બેલેટ પેપરથી શકય નથીઃ ચૂંટણી પંચ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેની સુનાવણીમાં ચૂંટણી પંચે રજૂઆત કરી હતી કે, ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેથી ત્યારે બેલેટ પેપરથી ચૂંટણી કરવી શકય જણાતી નથી. હાઈકોર્ટે ચૂંટણી પંચને લેખિતમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ કરીને વધુ સુનાવણી મુલત્વી રાખી છે.

કેસની હકીકત અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ચૂંટણીપંચ દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજય ચૂંટણી પંચ પાસે જેટલાં ઈ.વી.એમ. છે એટલા વી.વી.પેટ મશીન ન હોવાથી ચૂંટણી બેલેટ પેપરથી કરવા હાઈકોર્ટમાં રિટ થઈ હતી. આ અરજીની સુનાવણીમાં ચૂંટણીપંચે રજૂઆત કરી હતી કે, ચૂંટણી પ્રક્રિયા ઘણાં સમયથી શરૂ થઈ ચૂકી હોવાથી હવે મતપેટીથી ચૂંટણી કરવી શકય જણાઈ રહી નથી. હાઈકોર્ટે આ અંગે તા. 15મી ફેબ્રુઆરી સુધીમાં લેખિત જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઈ.વી.એમ.થી થતાં મતદાનમાં ચેડાં ન થાય તે માટે વી.વી.પેટના ઉપયોગને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ઈ.વી.એમ.માં મતદાન જે પણ પક્ષ કે ઉમેદવારને મત આપે તે તેને જ મત મળ્યો છે તે નિશ્વિત કરતી એક કાગળની ચિઠ્ઠી વી.વી.પેટ મશીમાં થોડીવાર માટે દેખાય છે. આ ઉપરાંત મતગણતરી સમયે પણ કોઈ વિવાદ કે સમસ્યા ઉભી થાય તો વી.વી.પેટની ચિઠ્ઠીઓની ગણતરી કરી સમાધાન મેળવી શકાય છે.