Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ પંજાબમાં પણ ભાજપા એકલા હાથ ચૂંટણી જંગમાં ઝંપલાવશે

Social Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની બ્યુગલ ફુંકાઈ ચૂંક્યું છે અને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓને વધારે તેજ કરી છે. એટલું જ નહીં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની સાથે ચૂંટણી પ્રચારને પણ વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે. દરમિયાન પંજાબમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથ ચૂંટણી લડે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પંજાબમાં બીજેપી અને એકાલી દળ વચ્ચે ગઠબંધનને લઈને ચાલતી અટકળો ઉપર પૂર્ણવિરામ મુકાયો છે. પંજાબ ભાજપના અધ્યક્ષ સુનીલ જાખડએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો મેસેજમાં પંજાબમાં ભાજપા એકલા હાથ ચૂંટણી લડશે તેવો સંકેત આપ્યો છે.

તેમણે કહ્યું છે કે, ભાજપા પંજાબમાં લોકસભા ચૂંટણી એકલા લડવા જઈ રહી છે. આ નિર્ણય પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના અભિપ્રાય, પંજાબના ખેડૂતો, વેપારીઓ, સંગીતકાર, મજુર અને તમામ વર્ગના ઉજળા ભવિષ્યને ધ્યાનમાં લાખીને લેવામાં આવ્યો છે. પંજાબ પહેલા ઓડિશામાં પણ ભાજપા અને બીજેડી વચ્ચે ગઠબંધન નહીં થયાનું સામે આવ્યું છે. બીજેપી અધ્યક્ષ મનમોહન સામલએ આ માહિતી સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલએ જણાવ્યું હતું કે, ભાજપા ઓડિશાની લોકસભાની તમામ 21 અને વિધાનસભાની 147 બેઠકો ઉપર એકલા લડશે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપાએ 370થી વધારે બેઠકો અને એનડીએનો 400થી વધારે બેઠકો ઉપર જીતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં ભાજપા દ્વારા જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે. તેમજ ઉમેદવારોની પસંદગીમાં પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.