Site icon Revoi.in

Lok Sabha Elections : બુંદેલખંડના રાજકારણમાં દાયકાઓ સુધી ચાલ્યું ડાકુઓનું રાજ, વોટ નાખવા માટે જાહેર થતા હતા ફરમાન

Social Share

લખનૌ: બુંદેલખંડના રાજકારણમાં દાયકાઓ સુધી ડકૈતોનો પ્રભાવ રહ્યો છે. કોતરોમાં બેઠેલા ડાકૂઓ જેને ચાહે તેને ચૂંટણી જીતાડી દેતા હતા. તેના માટે બકાયદા ફરમાન જાહેર કરવામાં આવતા હતા. ચૂંટણીની હવાની દિશા બદલવી તેમના માટે ડાબા હાથનો ખેલ હતો.

80ના દાયકામાં યુપીના હિસ્સામાં આવનારા બુંદેલખંડના સાતમાંથી છ જિલ્લાઓ- ઝાંસી, જાલૌન, બાંદા, મહોબા, હમીરપુર અને ચિત્રકૂટમાં ડકૈતોનો દબદબો  હતો. ડકૈત દદુઆ, નિર્ભયસિંહ ગુર્જર અને ઠોકિયાએ ખુદને બીહડના બાદશાહ જાહેર કરી દીધા હતા. બદલાતા સમયની સાથે ડકૈતોએ રાજકારણીઓને પોતાના રહનુમા બનાવી લીધા અને બાદમાં તેઓ ખુદ સરપરસ્ત બની ગયા હતા.

એક તબક્કો એવો પણ હતો કે જ્યારે નેતા જીત માટે ડકૈતો પાસેથી ફરમાન જાહેર કરાવતા હતા. બાદમાં ડકૈતોના પરિવારજનો ખુદ મેદાનમાં ઉતરવા લાગ્યા. તેમાં પહેલું નામ ખૂંખાર ડકૈત દદુઆનું આવે છે. દદુઆનો ચિત્રકૂટ, મહોબા, બાંદા અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં પ્રભાવ હતો. તેનો ફાયદો ઉઠાવીને દદુઆ પોતાના પુત્ર વીરસિંહને જિલ્લા પંચાયત અધ્યક્ષ બનાવવામાં કામિયાબ રહ્યો હતો. 2007માં દદુઆ એન્કાઉન્ટરમાં ઠાર થયો, પરંતુ ત્યાં સુધી તેનો પરિવાર રાજકીય સામ્રાજ્ય ઉભું કરી ચુક્યો હતો. તેના પુત્ર વીરસિંહ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચિત્રકૂટથી ધારાસબ્ય બન્યા, જ્યારે ભાઈ બાલકુમાર પટેલ મિર્ઝાપુરના સાંસદ બનવામાં સફળ રહ્યા હતા. ભત્રીજો રામસિંહ પણ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર પ્રતાપગઢની પટ્ટી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યો હતો.

દદુઆની જેમ જ અંબિકા પટેલ ઉર્ફે ઠોકિયાના પરિવારજનોએ પણ રાજનીતિમાં હાથ અજમાવ્યો હતો. 2005માં ઠોકિયાની કાકી સરિતા બાંદાને કર્વ બ્લોકના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે બીજી કાકી સવિતાને તેણે બિનહરીફ જિલ્લા પંચાયત સદસ્ય બનાવી દીધા હતા. 2007માં રાષ્ટ્રીય લોકદળની ટિકિટ પર માતા પિપરિયા દેવી બાંદાની નરૈની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડયા હતા. તે ઠોકિયાના નામ પર 27 હજાર વોટ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા. નિર્ભયસિંહ ગુર્જરની પણ ચૂંટણીમાં દખલ રહી છે. ઝાંસીના ગરૌઠા, જાલૌન અને ભોગનીપુરનું રાજકારણ તેની મરજીથી ચાલતું હતું. જના પર હાથ મૂકતો, તે ચૂંટણીની દોડમાં આગળ નીકળી જતો.

ફૂલનદેવી ઝાંસી મંડલના જાલૌન જિલ્લાના નાનકડા ગામ ગોરહા કા પૂર્વાની હતી. 14 ફેબ્રુઆરી, 1981ના રોજ બેહમઈ કાંડ બાદ ફૂલનદેવી દેશભરમાં ચર્ચામાં આવી હતી. જેલમાંથી મુક્ત થયાના બે વર્ષ બાદ 1996માં સમાજવાદી પાર્ટીએ તેને લોકસબાની ટિકિટ આપી હતી. ફૂલનદેવી પોતાની પહેલી ચૂંટણીમાં મિર્ઝાપુરથી સાંસદ બનવામાં સફળ બની હતી. જો કે બાદમાં ફૂલનદેવીની હત્યા થઈ ગઈ હતી.