Site icon Revoi.in

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક, લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા શરૂ

Social Share

સંસદના બંને ગૃહોના પીઠાસીન અધિકારીઓએ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મળીને સંસદ ટીવી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે ટૂંક સમયમાં સરકાર તરફથી લાઇસન્સ માટેની અરજી કરવામાં આવશે. લોકસભા સચિવાલય તરફથી જારી કરાયેલા એક પરિપત્ર મુજબ,ભારતીય વહીવટી સેવાના પૂર્વ અધિકારી રવિ કપૂરની પહેલી માર્ચથી એક વર્ષ માટે એકીકૃત ચેનલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે,રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભા અધ્યક્ષ દ્વારા સંસદ ટેલિવિઝનની રચના માટે રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીની સંયુક્ત રીતે જોડાણ કરવાની ઘોષણાના પરિણામ રૂપે રવિ કપૂર એક વર્ષ માટે સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારી રહેશે. કરારના આધારે તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ,બંને ચેનલોનું મર્જર કરવામાં આવી રહ્યું છે. જો કે,તેઓ બે મંચ પર કામ કરવાનું શરૂ રાખશે,જેમાંથી એક લોકસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ કરશે, જયારે બીજું રાજ્યસભાનું. રાજ્યસભા અને લોકસભા સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, સેશન ન ચાલવાની સ્થિતિમાં ચેનલ એક મંચ પર કામ કરશે અને કાર્યક્રમનું પ્રસારણ હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, બંને ચેનલોના મર્જ કરવામાં ઘણી બચત થશે અને સંસાધનોને સમાયોજિત કરીને કાર્યક્ષમતા વધારશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી કે નવી ચેનલ લોકસભા સચિવાલય હેઠળ રહેશે કે રાજ્યસભા અથવા તેનું સંચાલન સંયુક્ત રીતે કરવામાં આવશે.

-દેવાંશી