Site icon Revoi.in

સૌરાષ્ટ્રના દરિયામાં સર્જાયું લો પ્રેશરઃ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાં ભેજનું પ્રમામ વધતા અસહ્ય ઉકળાટને ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેમ લાગી રહ્યું છે. આજે બુધવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 16 તાલુકામાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને પગલે આગામી બે દિવસ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે ત્રીજા દિવસ બાદ વરસાદમાં ઘટાડો થવાની સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની વકી છે.

અષાઢના પ્રારંભેથી જ સમગ્ર સૌરાષ્ટ્રનું નભ ઘટાટોપ વાદળોથી છવાઇ ગયુ છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ પડાવ રાખ્યો છે. ભીમ અગિયારે વાવણીના સુકન કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો ત્યાંરે ખેડૂતો ઉપર ચિંતાના જે વાદળો છવાઇ ગયા હતા એ દૂર કરીને મેઘરાજાએ ધરતીપુત્રોને ખુશખુશાલ કરી દીધા છે. છેલ્લા ત્રણ દિવસથી મેઘકૃપા વરસી રહી છે. ક્યાંક ધીંગી ધારે તો ક્યાંક ધીમી ધારે આભ વરસી રહ્યુ છે. પીવાના અને સિંચાઇના જળાશયો ચેતનવંતા બની ગયા છે. અનેક ચેકડેમ અત્યારથી જ છલકાઇ ગયા છે. હજુ પણ પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી હવામાન ખાતાની આગાહી છે.

12 કલાકમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે. જેમા સૌથી વધુ વેરાવળમાં એક જ દિવસમાં સાડા છ ઇંચ વરસાદ પડી જતા ચોમેર જળબંબાકાર જેવી હાલત થઇ હતી. વેરાવળના નિંચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. વેરાવળથી સોમનાથ હાઇ-વે સુધી રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.વેરાવળ ઉપરાંત ગિર-સોમનાથ જિલ્લાના ગિર ગઢડામાં પોણા બે ઇંચ, કોડીનારમાં સવા ઇંચ, સુત્રાપાડામાં અઢી ઇંચ, તાલાલામાં એક ઇંચ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

જ્યારે દેવભૂમિ દ્વારકા પંથકમાં દ્વારકા શહેરની અંદર ત્રણ ઇંચ, કલ્યાપપુરમાં પણ ત્રણ ઇંચ, ખંભાળિયામાં અઢી ઇંચ પડ્યો હતો. પોરબંદર પંથકમાં સૌથી વધુ રાણાવાવમાં સાડા ત્રણ ઇંચ, પોરબંદર શહેરની અંદર સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં ત્રણ ઇંચ, કેશોદમાં સવા બે ઇંચ તેમજ ભેંસાણ, જૂનાગઢ શહેર, માળિયા, વંથલી સહિતના વિસ્તારોમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ હજુ પણ લોકોને બફારો સહન કરવો પડી રહ્યો છે.