Site icon Revoi.in

લોરેન્સ બિશ્નોઈ ગેંગની મેડમ ઝેર ઝડપાઈ, ડ્રગ્સ અને હથિયારોના નેટવર્કનો પર્દાફાશ

Social Share

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મોટી કાર્યવાહી કરી છે. ગેંગમાં ‘મેડમ ઝેર’ તરીકે જાણીતી અને શૂટર બોબી કબૂતરની ગર્લફ્રેન્ડ ખુશનુમા અંસારી ઉર્ફે નેહાની ધરપકડ કરવામાં આવી છે. બ્યુટી પાર્લરની આડમાં ડ્રગ્સ અને હથિયારોનું સિન્ડિકેટ ચલાવતી આ લેડી ડોનની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમીના આધારે મહિપાલપુર ફ્લાયઓવર પાસે છાપો મારીને કુલ ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી બોબી કબૂતર ઉર્ફે મહેફૂઝ, તેની ગર્લફ્રેન્ડ નેહા, મોહમ્મદ રાજી ખાન અને શાહબાઝનો સમાવેશ થાય છે. આ ટોળકી પાસેથી ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, નેહા ઉત્તર-પૂર્વ દિલ્હીમાં એક બ્યુટી પાર્લર ચલાવતી હતી, જેનો ઉપયોગ તે ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છુપાવવા માટે કરતી હતી. તે હાશિમ બાબા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વચ્ચે ડ્રગ્સ સપ્લાયની મુખ્ય કડી હોવાનું મનાય છે. નેહા અને બોબી કબૂતર છેલ્લા સાત વર્ષથી એકબીજા સાથે જોડાયેલા છે અને ગુનાહિત સામ્રાજ્યમાં સાથે કામ કરે છે.

ધરપકડ કરાયેલ બોબી કબૂતર લોરેન્સ ગેંગનો ખતરનાક સાગરિત છે. મે 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પહેલા બોબીએ જ તેના રૂટ અને મૂવમેન્ટની રેકી કરી હતી. આ સિવાય તે બોલીવુડ એક્ટ્રેસ દિશા પાટણીના ઘરની બહાર ફાયરિંગ અને દિલ્હીના નાદિર શાહ હત્યાકાંડ જેવા ગંભીર ગુનાઓમાં હથિયારો સપ્લાય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે બોબી કબૂતર એશિયાના મોટા આર્મ્સ સપ્લાયર સલીમ પિસ્તોલ પાસેથી હથિયારો મેળવતો હતો. સલીમ પિસ્તોલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતો હતો અને નેપાળ સરહદેથી હથિયારો ભારત મોકલતો હતો. લોરેન્સ ગેંગની આ ત્રીજી લેડી ડોન છે જે પોલીસના સકંજામાં આવી છે. આ પહેલા ચંદીગઢની દીપા અને હાશિમ બાબાની પત્ની ઝોયા ખાનની પણ ધરપકડ થઈ ચૂકી છે. હાલમાં સ્પેશિયલ સેલ આ તમામની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના આગામી ટાર્ગેટ અને ડ્રગ્સ નેટવર્ક વિશે વધુ વિગતો જાણી શકાય.

આ પણ વાંચોઃ રિલાયન્સ ગ્રુપ આઈએ સેક્ટરમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે, મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

Exit mobile version