નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના અગ્રણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટ-અપ્સના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં ભારતમાં નૈતિક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક AI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ બેઠકમાં કુલ 12 ભારતીય AI સ્ટાર્ટ-અપ્સે ભાગ લીધો હતો, જેઓ આવતા મહિને યોજાનારા ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026‘ માટે ક્વોલિફાય થયા છે. PM મોદીએ આ યુવા ઉદ્યોગસાહસિકોને “ભારતના ભવિષ્યના સહ-વાસ્તુકાર” ગણાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત પાસે મોટા પાયે ઇનોવેશન કરવાની અનોખી ક્ષમતા છે અને હવે સમય આવી ગયો છે કે આપણે “મેડ ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ” મોડલ વિશ્વ સમક્ષ રજૂ કરીએ.
વડાપ્રધાને સ્ટાર્ટ-અપ્સને એવા AI મોડલ્સ વિકસાવવા પ્રોત્સાહિત કર્યા જે, ડેટા પ્રાઇવસી અને નિષ્પક્ષતા પર આધારિત હોય. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં AI સેવાઓ ઉપલબ્ધ થાય જેથી તે વધુ સમાવેશી બને. ભારત સસ્તું અને સર્વશ્રેષ્ઠ AI ઇનોવેશન આપી વૈશ્વિક નેતા બને.
બેઠકમાં સામેલ સ્ટાર્ટ-અપ્સે ભારતીય ભાષા ફાઉન્ડેશન મોડલ્સ, હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ, ૩D કન્ટેન્ટ જનરેશન અને એડવાન્સ્ડ ડેટા એનાલિટિક્સ જેવા ક્ષેત્રોમાં તેમના કામનું પ્રદર્શન કર્યું હતું. આ બેઠકમાં Avataar, BharatGen, Fractal, Sarvam, Tech Mahindra અને Shodh AI જેવા અગ્રણી ગ્રુપના CEO હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીએ ઉદ્યોગસાહસિકોને ખાતરી આપી હતી કે તેમના AI મોડલ્સની સફળતા માટે સરકાર દરેક સ્તરે સહયોગ આપશે. ભારત હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે.

