Site icon Revoi.in

મહારાષ્ટ્ર: પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીના નેટવર્ક સાથે જોડાયેલા 66 લોકોની એટીએસ દ્વારા પૂછપરછ

Social Share

પુણે, 14 જુલાઈ 2026: પાકિસ્તાનમાં બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીના દેશવિરોધી નેટવર્કને ધ્વસ્ત કરવા માટે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એક્શન મોડમાં આવી ગઈ છે. એટીએસની ટીમોએ પુણે જિલ્લામાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક પોલીસ, જેમાં પુણે સિટી, પુણે રૂરલ અને પિંપરી-ચિંચવડ પોલીસ સામેલ છે, તેના સહયોગથી વહેલી સવારે સાત વાગ્યાથી જ શહઝાદ ભટ્ટીના સંપર્કમાં આવેલા 66 શંકાસ્પદ લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

એટીએસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પકડાયેલા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા પાકિસ્તાની ગેંગસ્ટરના સંપર્કમાં આવ્યા હોવાના પ્રાથમિક સંકેતો મળ્યા છે. હાલ તપાસ ટીમો આ શંકાસ્પદોના મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ચેટ્સ, કોલ રેકોર્ડ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની બારીકાઈથી તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, શું આ યુવાનોને કટ્ટરપંથી વિચારધારા તરફ ધકેલવા, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવા કે કોઈ સંગઠિત ગુનાહિત નેટવર્ક સાથે જોડવા માટે મોહરું બનાવવામાં આવી રહ્યા હતા. આ તપાસનો મુખ્ય હેતુ સંપર્કનો વ્યાપ કેટલો મોટો છે અને તેની પાછળ કોણ સક્રિય છે તે શોધવાનો છે.

આ કાર્યવાહી એટીએસના એ વ્યાપક અભિયાનનો ભાગ છે જે ગયા સપ્તાહે શરૂ કરાયું હતું. ગત શુક્રવારે રાજ્યભરમાં એટીએસની 14 યુનિટ્સની 58 ટીમોએ એકસાથે 102 સ્થળો પર દરોડા પાડી પૂછપરછ કરી હતી. તે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે શહઝાદ ભટ્ટી એકલો નથી, પરંતુ તેની સાથે આબિદ જાટ ઉર્ફે આબિદ છલ, અજમલ ગુજર, હમ્માદ મેમણ, રાણા હુનૈન અને અશરફ બશીર આલમ જેવા અન્ય પાકિસ્તાની શંકાસ્પદો પણ સક્રિય છે. આ ગેંગ ભારતીય યુવાનોને આર્થિક લાલચ આપી પોતાના જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે.

એટીએસ દ્વારા યુવાનો અને નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોના સંપર્કમાં આવવાનું ટાળે, કોઈ પણ પ્રકારની આર્થિક લાલચ આપતા મેસેજ પર ભરોસો ન કરે અને આસપાસની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તુરંત પોલીસને જાણ કરે. એજન્સીના મતે યુવાનોને નિશાન બનાવી દેશવિરોધી નેટવર્ક ઊભું કરવાના પ્રયાસોને સમયસર નિષ્ફળ બનાવવા રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.

Exit mobile version