Site icon Revoi.in

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું, પરમબીર સિંહે સો કરોડની વસૂલાતનો લગાવ્યો હતો આરોપ

Social Share

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે. પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સો કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. અગાઉ મુંબઇ હાઇકોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ જારી કર્યા છે. હાઈકોર્ટે 15 દિવસની અંદર તપાસ રિપોર્ટ રજૂ કરવા પણ જણાવ્યું છે. પરમબીરસિંહે 100 કરોડ રૂપિયા વસૂલવા માટે ગૃહમંત્રી દેશમુખ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર ચુકાદો આપતી વખતે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, પરમબીર સિંહનાં આક્ષેપો ગંભીર છે. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ તપાસની જરૂર છે. હાઈકોર્ટે કહ્યું કે આ આરોપો અનિલ દેશમુખ ઉપર લગાવવામાં આવ્યા છે અને આ તપાસ માટે તે પોલીસ પર નિર્ભર નહીં રહી શકે. સીબીઆઈને તેની પ્રાથમિક અને નિષ્પક્ષ તપાસ માટે જરૂરી છે.

એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરવામાં આવી હતી. આ કેસમાં પૂર્વ કમિશનરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો અને તેમાં દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વાજેને 100 કરોડનું લક્ષ્યાંક આપ્યું છે. આ સાથે તેમણે દેશમુખ ઉપર બીજા ઘણા આક્ષેપો પણ કર્યા હતા.

પરમબીરસિંહે અનિલ દેશમુખ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. આ પછી પરમબીરસિંહે ગૃહમંત્રી દેશમુખ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તેના પર ચુકાદો આપ્યો છે. જો કે,દેશમુખે પરમબીર સિંહના તમામ આરોપોને એકદમ નકારી દીધા છે.