Site icon Revoi.in

દેશમાં ડ્રોન દ્વારા સૌ પ્રથમ વખત ટપાલ વિતરણ: ગુજરાતના કચ્છ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભુજથી ભચાઉ સુધી કરાઈ સફળ ડિલિવરી

Social Share

 ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મેઇક ઈન ઈન્ડિયા’ને અપાઈ રહેલા પ્રોત્સાહનના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. હાલમાં જ દિલ્હી મધ્યે પ્રધાનમંત્રીએ ડ્રોન મહોત્સવનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, ભારતમાં ડ્રોન ટેકનોલોજી માટે અદ્દભૂત ઉત્સાહ દેખાય છે, ૨૦૩૦માં ભારત ડ્રોન હબ હશે.

આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવતા ભારતીય પોસ્ટલ વિભાગે દેશના પોસ્ટલ ઇતિહાસમાં પ્રથમ વખત ડ્રોન ટેકનોલોજીની મદદથી ટપાલની ડિલિવરી કરવાના પાયલટ પ્રોજેક્ટનું ગુજરાતના કચ્છ જિલ્લામાં સફળ પરીક્ષણ કર્યું છે.

કેન્દ્ર સરકારના સંદેશા વ્યવહાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ પોસ્ટલ વિભાગ દ્વારા ભુજ તાલુકાના હબાય ગામથી ભચાઉ તાલુકાના નેર ગામ સુધી ડ્રોન દ્વારા ટપાલ રવાના કરાઈ હતી.બંને વિસ્તાર વચ્ચેનું ૪૬ કિમીનું અંતર ડ્રોન દ્વારા ખૂબ જ ઝડપથી કપાયું હતું અને માત્ર ૨૫ મિનિટમાં પોસ્ટનું પાર્સલ પહોંચી ગયું હતું.આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતા હવે ભવિષ્યમાં ડ્રોન દ્વારા પોસ્ટલ ડિલિવરી કરવાનું શક્ય બની શકશે.

આ પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન ખાસ કરીને ડ્રોન દ્વારા ડિલિવરી માટે થતો ખર્ચ અને બે કેન્દ્રો વચ્ચેની ભૌગોલિક પરિસ્થિતિ સહિત ડ્રોન ડિલિવરી દરમિયાન સ્ટાફ વચ્ચે સંકલન, રસ્તાના અવરોધ સહિતની સંભવિત પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરાયો હતો. જો, આ પ્રયોગ વ્યવસાયિક રીતે સફળ રહેશે તો પોસ્ટલ ડિલિવરી સાથે પાર્સલ સેવાઓ પણ ઝડપી થઈ શકશે.