કોલકાતા, 3 જૂન 2026: હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા આમ જનતા ઉન્નયન પાર્ટીના ધારાસભ્ય અને ચેરમેન હુમાયુ કબીરને મળેલી વાય પ્લસ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. બુધવારે લેવાયેલા આ નિર્ણય ઉપરાંત, કેન્દ્રીય ગૃહ વિભાગે પશ્ચિમ બંગાળના 41 ભાજપના ઉમેદવારો અને અન્ય લોકોની સુરક્ષા પણ પરત ખેંચી લીધી છે. સુરક્ષામાં કાપ મુકાવા પર હુમાયુ કબીરે જણાવ્યું કે, તેમના પર મોટો ખતરો હોવાથી તેઓ પોતાની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ફરીથી માંગ કરશે. કબીરે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારે સોમવારે રાત્રે 41 ભાજપના ધારાસભ્યો અને અન્ય લોકોની સુરક્ષા પાછી ખેંચવાનો આદેશ જારી કરી દીધો છે, પરંતુ અધીર રંજન ચૌધરી અને નૌશાદ સિદ્દીકીની સુરક્ષા હજુ સુધી પાછી ખેંચવામાં આવી નથી. કબીરે સ્પષ્ટ કર્યું કે તેઓ ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને સંયુક્ત પત્ર લખીને સુરક્ષા માટે અરજી કરશે.
કોર્ટના આદેશ બાદ માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ અન્ય દિગ્ગજોની સુરક્ષામાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા ‘ઝેડ’ કેટેગરીથી ઘટાડીને ‘વાય’ કેટેગરી કરવામાં આવી છે. ગાંગુલીને છેલ્લા 3 વર્ષથી ‘ઝેટ પ્લસ’ (અથવા ઝેડ) સુરક્ષા મળી રહી હતી, જેમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. મે 2023 સુધી સૌરવ ગાંગુલી પાસે ‘વાય-કેટેગરી’ની સુરક્ષા હતી. તે સમયે તેમની અંગત સુરક્ષા માટે કોલકાતા પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના ત્રણ જવાનો તૈનાત રહેતા હતા, જેમાં બે હથિયારધારી અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. તેમના નિવાસસ્થાને પણ વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
-
ગાંગુલીને ઝેડ કેટેગરીની સુરક્ષા મળતી હતી
મે 2023માં મમતા બેનર્જી સરકારે ગાંગુલીની સુરક્ષા વધારીને ‘ઝેડ-કેટેગરી’ કરી દીધી હતી. સુરક્ષા શ્રેણીમાં આ વધારા બાદ, તેમની અંગત સુરક્ષામાં તૈનાત અધિકારીઓની સંખ્યા વધીને 8 થી 10 ની વચ્ચે થઈ ગઈ હતી અને તેમના નિવાસસ્થાને પણ સુરક્ષા વ્યવસ્થાનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. ગાંગુલી જ્યારે પણ ક્યાંય મુસાફરી કરતા ત્યારે એક પોલીસ પાયલોટ વાહન તેમના કાફલાને એસ્કોર્ટ કરતું હતું. કુલ મળીને તેમની સુરક્ષા વ્યવસ્થામાં 30 થી 35 કર્મીઓ સામેલ રહેતા હતા. પરંતુ તાજેતરના નિર્ણય સાથે, આ સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂકી દેવાયો છે અને તેમને ફરીથી ‘વાય-કેટેગરી’ની સુરક્ષા આપવામાં આવી છે.
બીજી તરફ, જ્યારે હુમાયુ કબીરે તૃણમૂલ કોંગ્રેસથી બળવો કરીને પોતાની પાર્ટી બનાવી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, ત્યારે કેન્દ્ર સરકારે તેમને વાય પ્લસ સુરક્ષા આપી હતી. તેઓ હવે ધારાસભ્ય છે અને આ નિર્ણય બાદ તેમની સાથે માત્ર બે જ ગનર રહી શકશે. વહીવટીતંત્ર દ્વારા ઘણી રાજકીય હસ્તીઓ અને જાણીતા લોકોના સિક્યુરિટી કવરની સમીક્ષા કરવામાં આવી છે. નેતા સુવેંદુ અધિકારીએ પણ જાહેરમાં કહ્યું છે કે જ્યાં સુધી ખતરાના આધારે ખરેખર જરૂરિયાત ન હોય, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને વધારાની સુરક્ષા ચાલુ રાખવામાં આવશે નહીં.

