Site icon Revoi.in

બાળકો માટે ઘરે જ બનાવો કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર રાગી-એપલ મફિન કેક

Social Share

બાળકોને મફિન, કપકેક અને કેક જેવી બેકડ આઈટમ્સ ખૂબ જ પ્રિય હોય છે. જોકે, બજારમાં મળતા મોટાભાગના મફિન્સમાં ખાંડ અને મેદાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં જો આ વસ્તુઓ ઘરે જ પૌષ્ટિક સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે, તો બાળકોને સ્વાદની સાથે ઉત્તમ પોષણ પણ મળી રહે છે. આવો જ એક હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ છે ‘રાગી અને સફરજનમાંથી બનેલા મફિન્સ’.

રાગીના ફાયદા: રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, પ્રોટીન અને અન્ય જરૂરી મિનરલ્સ હોય છે, જે બાળકોના હાડકાના વિકાસ માટે અત્યંત ફાયદાકારક છે.
સફરજનના ફાયદા: સફરજન ફાઈબર, વિટામિન સી, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનક્રિયા સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

રાગીનો લોટ, થોડો ઘઉંનો લોટ, બેકિંગ પાવડર, એક ચપટી તજનો પાવડર, પાકેલું કેળું અથવા મધ, છીણેલું સફરજન, દૂધ અને દેશી ઘી અથવા તેલ.

એક બાઉલમાં રાગીનો લોટ, ઘઉંનો લોટ, બેકિંગ પાવડર અને તજનો પાવડર ભેગા કરો. બીજા બાઉલમાં મેશ કરેલું કેળું (અથવા મધ), છીણેલું સફરજન, દૂધ અને થોડું ઘી અથવા તેલ બરાબર મિક્સ કરો. હવે સૂકી અને ભીની સામગ્રીને એકસાથે ભેળવી ઘટ્ટ ખીરું તૈયાર કરો. આ ખીરામાં ઝીણા સમારેલા બદામ કે અખરોટ ઉમેરી શકાય છે. આ મિશ્રણને મફિન મોલ્ડમાં ભરીને પ્રી-હીટેડ ઓવનમાં 20 થી 25 મિનિટ માટે બેક કરો. તૈયાર છે એકદમ સોફ્ટ અને પૌષ્ટિક મફિન્સ!

બાળકો માટે હંમેશા તાજી અને ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીનો જ ઉપયોગ કરો. ખાંડનો ઉપયોગ ટાળીને સફરજન અથવા કેળાની કુદરતી મીઠાશનો આગ્રહ રાખવો વધુ હિતાવહ છે. નાના બાળકો માટે ડ્રાયફ્રૂટ્સને કાપીને આપવાના બદલે તેનો પાવડર બનાવીને ઉમેરવો જેથી તે સરળતાથી ખાઈ શકે. તૈયાર થયેલા મફિન્સને એરટાઈટ ડબ્બામાં રાખીને ૧ થી ૨ દિવસની અંદર જ વાપરી લેવા.

Exit mobile version