Site icon Revoi.in

નાસ્તામાં બનાવો કંઈક નવું, નોંધી લો સ્વાદિષ્ટ અને હેલ્ધી પૌઆ-કોર્નની આ ખાસ રેસીપી

Social Share

સામાન્ય રીતે આપણે પૌઆનો ઉપયોગ બટાકા પૌઆ કે ચેવડો બનાવવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય પૌઆમાંથી બનતા ‘અપ્પે’ ટ્રાય કર્યા છે? આ નાસ્તો સ્વાદિષ્ટ હોવાની સાથે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. ઈન્સ્ટાગ્રામ પર ફૂડ બ્લોગર શિવાંગી દુબેએ પૌઆ અને સ્વીટ કોર્નનો ઉપયોગ કરીને આ યુનિક વાનગી બનાવવાની રીત શેર કરી છે.

જાડા પૌઆ: 1 કપ
દહીં: અડધો કપ
સ્વીટ કોર્ન (અધકચરા પીસેલા): ½ કપ
સ્વીટ કોર્ન (બાફેલા): ¼ કપ
ડુંગળી: ¼ કપ (ઝીણી સમારેલી)
કેપ્સિકમ: ¼ કપ (ઝીણું સમારેલું)
આદુ અને લીલા મરચાં: સ્વાદ મુજબ (ઝીણા સમારેલા)
કોથમીર: 2 મોટી ચમચી (સમારેલી)
તલ: 1-2 નાની ચમચી
તેલ: અપ્પે પેન માટે
મીઠું: સ્વાદ અનુસાર
બેકિંગ સોડા: એક ચપટી (વૈકલ્પિક)

સૌથી પહેલા પૌઆને ચોખ્ખા પાણીથી ધોઈ લો અને 5 મિનિટ માટે પલળવા દો. પૌઆ નરમ થઈ જાય એટલે તેમાંથી વધારાનું પાણી નિતારી લો. હવે પલળેલા પૌઆમાં દહીં ઉમેરીને 10 મિનિટ માટે બાજુ પર રાખી દો. ત્યારબાદ પૌઆને બરાબર મેશ (દબાવીને) કરીને નરમ લોટ જેવું મિશ્રણ તૈયાર કરો. તૈયાર થયેલા પૌઆના માવામાં પીસેલી મકાઈ (કોર્ન), બાફેલી મકાઈ, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, આદુ, મરચાં, કોથમીર અને મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી હળવા હાથે નાના-નાના ગોળ બોલ્સ તૈયાર કરો. જો જરૂર જણાય તો એક ચપટી સોડા ઉમેરી શકાય છે. હવે ગેસ પર ‘અપ્પે પેન’ ગરમ કરવા મૂકો. તેના દરેક ખાનામાં થોડું તેલ નાખો અને ઉપરથી થોડા તલ છાંટો. હવે તૈયાર કરેલા બોલ્સને તેમાં મૂકો અને ઢાંકણ ઢાંકીને ધીમી આંચ પર ચઢવા દો. થોડીવાર પછી અપ્પેને પલટાવી લો અને બંને બાજુથી સોનેરી રંગના થાય ત્યાં સુધી પકાવો. તૈયાર છે એકદમ ક્રિસ્પી અને નરમ ‘પૌઆ-કોર્ન અપ્પે’. તેને તમે ગરમાગરમ લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.

Exit mobile version