સામાન્ય રીતે આપણે ચણાના લોટ (બેસન) નો ઉપયોગ કઢી, ભજીયા, સેવ કે પુડલા બનાવવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે બેસન માત્ર નમકીન વાનગીઓ માટે જ નહીં, પણ અદભૂત મીઠાઈઓ બનાવવા માટે પણ શ્રેષ્ઠ છે? જો તમારું મન કંઈક મીઠું ખાવા માટે તલપાપડ થતું હોય, તો બહારથી લાવવાને બદલે તમે ઘરે જ શુદ્ધ અને સ્વાદિષ્ટ મીઠાઈઓ તૈયાર કરી શકો છો. કોઈ તહેવાર હોય, મહેમાન આવવાના હોય કે પછી ડેઝર્ટ ખાવાની ઈચ્છા હોય, બેસનમાંથી બનેલી આ વાનગીઓ બેસ્ટ ઓપ્શન છે.
- મોઢામાં ઓગળી જાય તેવા ‘બેસનના લાડુ’
બેસનના લાડુનો સ્વાદ દરેકને પસંદ હોય છે, ખાસ કરીને દિવાળી કે ગણેશ ચતુર્થી જેવા તહેવારોમાં તે અચૂક બને છે. તેને બનાવવા માટે બેસનને શુદ્ધ ઘીમાં ધીમી આંચે સુગંધ આવે ત્યાં સુધી શેકવામાં આવે છે. લોટ થોડો ઠંડો થાય એટલે તેમાં ખાંડનું બૂરું (પાઉડર) અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને ગોળ લાડુ વાળવામાં આવે છે.
- સ્વાદિષ્ટ ‘બેસન બરફી’
જો તમારે લાડુ નથી બનાવવા, તો બેસન બરફી એક ઉત્તમ વિકલ્પ છે. આમાં પણ બેસનને ઘીમાં શેકીને ખાંડની ચાસણી સાથે ભેળવવામાં આવે છે. ઉપરથી ઈલાયચી પાઉડર અને ડ્રાય ફ્રૂટ્સ ભભરાવીને તેને ટ્રેમાં સેટ કરવામાં આવે છે. સેટ થયા પછી તેને મનગમતા આકારમાં કાપી શકાય છે.
- ઈન્સ્ટન્ટ ‘બેસનનો શીરો’
જ્યારે અચાનક મીઠાઈ ખાવાની ઈચ્છા થાય અને સમય ઓછો હોય, ત્યારે બેસનનો શીરો સૌથી ઝડપી બને છે. ઘીમાં બેસન શેકીને તેમાં દૂધ, પાણી, ઈલાયચી અને ખાંડ ઉમેરીને ગરમાગરમ શીરો તૈયાર કરી શકાય છે. તે પોષક તત્વોથી પણ ભરપૂર છે.
- પારંપરિક ‘મોહનથાળ’
ગુજરાતીઓની ફેવરિટ મીઠાઈ એટલે મોહનથાળ. બેસનમાંથી બનતી આ શાહી મીઠાઈ છે. આમાં કણીદાર બેસનને ઘીમાં શેકી, તેમાં માવો (ખોયા) અને કેસરવાળી ચાસણી ઉમેરવામાં આવે છે. તૈયાર મિશ્રણને થાળીમાં પાથરીને તેના પર બદામ-પિસ્તાની કાતરી સજાવવામાં આવે છે. સેટ થયા પછી તેના ચોસલા પાડવામાં આવે છે.

