Site icon Revoi.in

મહાત્મા ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન

Social Share

ગુજરાતના પ્રવાસે આવેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ભારતના આઝાદી આંદોલનના કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમના પરિસરમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.

ગાંધી આશ્રમની ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની આ મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્યસચિવ રાજકુમાર પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના તૈલચિત્રને સુતરની આંટી પહેરાવી વંદના કરી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો કાંતવાની પ્રક્રિયાનું નિદર્શન કર્યું હતું .

ગાંધી આશ્રમની મુલાકાતના તેમના અનુભવ અને અનુભૂતિને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને વિઝિટર્સ બુકમાં વર્ણવતા લખ્યું હતું કે “પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પવી એ એક મહાન સન્માનની વાત છે. તેમના આદર્શો અને જીવન મૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે છે. ગાંધીમૂલ્યોમાંથી આપણે ઘણું શીખવાનું છે.”

સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અગ્રણીઓએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું ગાંધી ચરખો તથા પુસ્તક આપીને સ્વાગત- સન્માન કર્યું હતું તથા તેમની મુલાકાત દરમિયાન તેમને આશ્રમ સંબંધિત વિવિધ માહિતી પુરી પાડી હતી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ગાંધી આશ્રમની મુલાકાત સમયે રાજ્યના પ્રવાસન સચિવ હારિત શુક્લ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી વિજય નેહરા, અમદાવાદ જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, AMC ના ડેપ્યુટી કમિશ્નર પ્રવીણ ચૌધરી, વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version