Site icon Revoi.in

આમ આદમી પાર્ટીના નેતાઓના અમદાવાદમાં ધામાઃ મનીષ સિસોદિયા કરશે રોડ શો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ થયો છે. આમ આદમી પાર્ટીએ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. આજથી આપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. બીજી તરફ આતવીકાલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અમદાવાદ આવશે. તેમજ તેઓ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કરીને કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરી હતી. પાર્ટીએ જ્ઞાતિના સમિકરણોનું ધ્યાન રાખીને તમામ જ્ઞાતીમાંથી ઉમેદવારોને ચૂંટણી લડવાની તક આપી છે. અમદાવાદના રખિયાલ વોર્ડમાંથી એક રીક્ષા ચાલકને પણ ટીકિટ આપી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂ થતા આપના ઉમેદવારોએ પણ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમદાવાદથી પાર્ટીના પ્રચારની શરુઆત કરી રહ્યાં છે. તેઓ આવતીકાલથી અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આઠ કલાકનો લાંબો રોડ શો કરશે. આવતીકાલે અમદાવાદમાં સવારે 10 વાગ્યે મનિષ સિસોદિયા હાટકેશ્વરની સેવન ડે સ્કૂલથી રોડ શોની શરૂઆત કરશે અને બપોરે દોઢ વાગે બાપુનગર સ્ટેડિયમ ખાતે સમાપન થશે. ત્યાર બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બપોરે અઢી વાગ્યે થલતેજ અંજની માતાના મંદિરેથી ફરીવાર રોડ શોની શરૂઆત કરશે અને સાજે 6 વાગ્યે ગોતા એસજી હાઈવે બ્રિજની નીચે સમાપન થશે. તેમજ અમદાવાદ સહિત રાજ્યભરમાં પ્રચાર કરવા માટે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ ગુજરાત આવશે.