Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, મહુવામાં વીજળી પડતા બેનાં મોત, ચાર દિવસ વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

રાજકોટમાં એક દિવસના વિરામ બાદ રવિવારે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. શહેરના 150 ફૂટ રિંગ રોડ, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, માધાપર ચોકડી, નાણાવટી ચોક, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.  આ ઉપરાંત ગોહિલવાડ પંથકમાં પણ વરસાદ પડ્યો હતો.જેમાં મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે વીજળી પડતા બેનાં મોત નિપજ્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે કેટલાક શ્રમિકો તળાવમાં ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે  વીજળી પડતાં શ્રમિક એવા કાકા-ભત્રીજાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જયારે તેની માતાની ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ લોધિકા પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. લોધિકાના દેવળા ગામમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. આથી નદી-નાળા બે કાંઠે વહ્યા હતા.

અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છેલ્લા 11 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જ્યારે આજે પણ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે મનમૂકીને મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જ્યારે બીજી તરફ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હજું પણ વરસાદ ન આવતા ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.

વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રવિવારે પારડી તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.