કેલિફોર્નિયા, 31 ડિસેમ્બર 2025 : પ્લાસ્ટિક આધુનિક જીવનનો અનિવાર્ય ભાગ બની ગયું છે, પરંતુ હવે તેના અતિ સૂક્ષ્મ કણો એટલે કે ‘માઇક્રોપ્લાસ્ટિક’ માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઈડના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા તાજેતરના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે માઇક્રોપ્લાસ્ટિક ધમનીઓમાં સોજો લાવે છે અને પ્લેક (કચરો) જમા થવાની પ્રક્રિયાને વેગ આપે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
- પુરુષોની ધમનીઓમાં 600% સુધી પ્લેક વધ્યો
વૈજ્ઞાનિકોએ આ સંશોધન માટે ઉંદરો પર પ્રયોગો કર્યા હતા. આ ઉંદરોને ઓછી ચરબી અને ઓછું કોલેસ્ટ્રોલ ધરાવતો ખોરાક આપવામાં આવ્યો હતો, જેથી પરિણામોમાં સ્થૂળતા કે ડાયેટની અસર ન પડે. સતત 9 અઠવાડિયા સુધી માઇક્રોપ્લાસ્ટિકના સંપર્કમાં આવ્યા બાદ જાણવા મળ્યું કે નર ઉંદરોમાં મુખ્ય ધમનીમાં પ્લેકનું પ્રમાણ 63 ટકા વધી ગયું. બીજી એક મોટી ધમનીમાં તો આ પ્લેક આશ્ચર્યજનક રીતે 600 ટકાથી વધુ વધેલો જોવા મળ્યો. જોકે, આશ્ચર્યજનક રીતે માદા ઉંદરો પર માઇક્રોપ્લાસ્ટિકની આવી કોઈ ગંભીર નકારાત્મક અસર જોવા મળી નથી.
આ પણ વાંચોઃ ન્યાય માટે કોર્ટ 24 કલાક ખુલ્લી રહેશે, CJI સૂર્યકાંતનો ‘કાનૂની કટોકટી’ પર ઐતિહાસિક નિર્ણય
‘એનવાયરમેન્ટ ઇન્ટરનેશનલ’ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં સૌથી મહત્વની વાત એ છે કે આ નુકસાન વજન વધવા કે કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે થયું નથી. ઉંદરોનું બ્લડ લિપિડ અને વજન સામાન્ય હોવા છતાં તેમની ધમનીઓ બ્લોક થઈ રહી હતી. આનો અર્થ એ છે કે માઇક્રોપ્લાસ્ટિક પરંપરાગત જોખમોથી અલગ રહીને સીધું જ જૈવિક સ્તરે હૃદયને નુકસાન પહોંચાડે છે.
- પુરુષો જ કેમ વધુ જોખમમાં?
વૈજ્ઞાનિકોનું માનવું છે કે સ્ત્રીઓમાં જોવા મળતું એસ્ટ્રોજન હોર્મોન હૃદય અને રક્તવાહિનીઓને સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત, સ્ત્રી અને પુરુષોના કોષો બાહ્ય કણો પ્રત્યે અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. જોકે, આ તફાવત પાછળના ચોક્કસ કારણો જાણવા હજુ વધુ સંશોધનો ચાલુ છે.
- જોખમ કેવી રીતે ઘટાડવુ?
નિષ્ણાતોના મતે પ્લાસ્ટિકથી સંપૂર્ણ બચવું મુશ્કેલ છે, પરંતુ કેટલાક પગલાંથી જોખમ ઘટાડી શકાય છે.
પ્લાસ્ટિકના બદલે કાચ કે સ્ટીલના વાસણો વાપરવા.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવો.
વધુ પડતો પ્રોસેસ્ડ ખોરાક ટાળવો.
નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર લેવો.
આ પણ વાંચોઃ પાક.ની ભારતને ધમકી, ઢાકા પર હુમલો થયો તો અમારી મિસાઈલો તૈયાર છે

