Site icon Revoi.in

સી-પ્લેન બંધ હોવા છતાં નદીમાં બર્ડહીટ રોકવા કરોડોના ટેન્ડર બહાર પડાયા

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી,   પણ સી-પ્લેન સેવા છેલ્લા છ મહિનાથી બંધ હોવા છતાં ગુજરાત સરકારનાં અધિકારીઓ સી-પ્લેનનાં નામે કરોડો રૂપિયાનાં ટેન્ડરો બહાર પાડી રહ્યાં છે. સી-પ્લેન  બંધ હોવા છતાં સરકારે સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામમાં સી-પ્લેનને પશુ-પક્ષીઓ અને અન્ય અડચણોથી બચાવવા માટે એજન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે, એટલું જ નહિ છેલ્લા બે મહિનામાં ગુજસેઇલ દ્વારા સી-પ્લેનને લગતાં ત્રણ જેટલા ટેન્ડરો પાડીને કરોડોનો ખર્ચ કરવા જઇ રહેલી ગુજરાત સરકાર આ પ્લેન ક્યારે ઉડશે તે બાબતે કોઈ જવાબ આપી રહ્યું નથી. સર્વિસ ઓપરેટર સ્પાઇસ જેટ પણ આ મુદ્દે મૌન છે. દિવાળીનું વેકેશન આવી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકોનો ધસારો છે તેમજ ટુર ઓપરેટરો પાસે પણ સી-પ્લેનની સંખ્યાબંધ ઇન્કવાયરીઓ આવી રહી છે.

અમદાવાદના સાબરમતીના રિવરફ્રન્ટ-કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. પણ સી-પ્લેન સેવા વધુ સમય ચાલી નહીં. કારણ કે, સી-પ્લેનને વારંવાર મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવતું હતું. એટલે સેવા અનિયમિત બની જતાં લોકોમાં પણ સી-પ્લેનની મુસાફરીનો ક્રેઝ ઘટી ગયો. છેલ્લા 6 મહિનાથી સી-પ્લેન સેવા બંધ છે, અને તે ક્યારે શરૂ થાય તે કોઈ કહી શક્તું નથી. છતાં આ સેવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજસેલ દ્વારા કેવડિયા ખાતેનાં વોટર એરોડ્રામ પાસે વ્હિકલ રેમ્પ, લિફ્ટ વગેરે બનાવવા માટે રૂ. 2.50 કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું. ઓક્ટોબરમાં બહાર પડાયેલા બીજા ટેન્ડરમાં સાબરમતી અને કેવડિયામાં આગ અને અન્ય ડિઝાસ્ટર થાય તો રેસ્ક્યુ બોટ દ્વારા મુસાફરોને બચાવવા કન્સલ્ટન્ટ નીમવા માટેનું ટેન્ડર બહાર પડાયું હતું, તેમજ ત્રીજા ટેન્ડરમાં સાબરમતી અને કેવડિયામાં સી-પ્લેનને પક્ષીઓ,પશુઓ તેમજ અન્ય અડચણોથી રક્ષા કરવા માટે કોન્ટ્રાક્ટ આપવા માટેનું ટેન્ડર બહાર પડાયું છે. ઉલ્લેખનીય છે કે સી-પ્લેન સેવા છેલ્લા છ મહિનાથી બંધ છે.

Exit mobile version