Site icon Revoi.in

ડુંગળીએ ખેડુતોને રડાવતા ધારાસભ્યો અને APMCના ચેરમેનોએ મુખ્યમંત્રીને કરી રજુઆત

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વખતે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થયું છે, પણ ખેડુતોને પુરા ભાવ મળતા નથી. ડુંગળીના ભાવ એટલાબધા ઘટી ગયા છે. કે, ખેડુતોએ વાવેતરનો કરેલો ખર્ચ પણ નિકળતો નથી. આથી ખેડુતોએ ડુંગળીના પોષણક્ષણ ભાવ બાંધી આપવાની ખેડુતોએ માગણી કરી છે. ત્યારે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના તમામ યાર્ડ્સમાં ડુંગળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ભાવનગર, મહુવા અને તળાજા માર્કેટયાર્ડમાં એટલી બધી આવક છે. કે ડુંગળીના જથ્થાને મુકવાની પણ જગ્યા નથી. યાર્ડની બહાર ડુંગળી ભરેલા ટ્રેકટરો, ટેમ્પાઓ અને ટ્રકોની લાઈનો જોવા મળી રહી છે. દરમિયાન તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી માનએ પણ ભાવનગરના પ્રવાસ દરમિયાન ખેડુતોની મુલાકાત લઈને ડુંગળી ખરીદવાની તત્પરતા દાખવી હતી.બીજીબાજુ  ધારાસભ્ય જીતુ વાધાણીના નેતૃત્વમાં એપીએમસીના ચેરમેનોએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને ડુંગળીના પોષણક્ષણ ભાવ આપવાની માગણી કરી હતી. ગુજરાત સરકારે હજુ કોઈ નિર્ણય લીધો નથી. ખેડુતોના ઘરમાં પડેલો ડુંગળીનો માલ વેચાઈ ગયા પછી સરકાર કોઈ નિર્ણય લેશે તો ખેડુતોને કોઈ લાભ થવાનો નથી. અગાઉ પણ આ પ્રશ્ને ખેડૂત આગેવાનોએ અને ધારાસભ્યોએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆતો કરી હતી. જેના પ્રતિભાવમાં કૃષિ મંત્રી દ્વારા ખેડૂતોને સહાય કરવા માટે હૈયા ધારણા આપવામા આવી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપવા બદલ આગેવાનોએ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રીનો ખેડૂતો વતી આભાર માન્યો હતો. ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા રાજ્ય સરકારે ગત વર્ષે રૂ.100 કરોડની સહાય જાહેર કરી હતી. જેમાં રાજ્ય સરકારે ખેડૂતો દ્વારા અરજી કર્યા બાદ કુલ 31,674 ખેડૂતોને કુલ રૂ.69.26 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ડુંગળીના ઘટી ગયેલા ભાવ અંગે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા  ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના નેતૃત્વમાં મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખા બારૈયા અને ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતને ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી દર્શાવી હતી.