Site icon Revoi.in

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની PM મોદીએ આપી ખાતરી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને વિવિધ સકારાત્મક વિકાસની ચર્ચા કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રોડમેપ વિકસાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ રશિયાને 2024માં બ્રિક્સ પ્રમુખપદ માટે શુભેચ્છા પાઠવી હતી.

બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન બાદ નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા વિકાસનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું અને ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ભાવિ પહેલ માટે રોડમેપ વિકસાવવા સંમત થયા.

તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2024માં રશિયાની બ્રિક્સ અધ્યક્ષતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી પછીથી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, “રાષ્ટ્રપતિ પુતિન સાથે સારી વાતચીત થઈ. અમે અમારી વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં વિવિધ સકારાત્મક વિકાસની ચર્ચા કરી અને ભવિષ્યની પહેલ માટે રોડમેપ તૈયાર કરવા સંમત થયા.

ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી સારા સંબંધ રહ્યાં છે. એટલું જ નહીં રશિયા અને યુક્રેન વચ્ચે એકાદ વર્ષથી પણ લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ રશિયા ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે. જો કે, ભારત દ્વારા યુએન સહિત તમામ મંચ ઉપર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને બંધ કરીને બંને દેશોએ સામ-સામે બેસીને વાત કરીને નિકાલ લાવવા અપીલ કરી  હતી.