Site icon Revoi.in

મોહેં-જો-દડો અને મક્કા બંને પર એકસાથે હક ન કરી શકાય

Pashupati Seal, Indus-Saraswati Civilization
Social Share

રિવોઈ ન્યૂઝ, 5 જૂન 2026 – મોહેં-જો-દડો અને મક્કા બંને પર એકસાથે હક ન કરી શકાય. ઈસ્લામના કથિત વિદ્વાનો તથા દરેક બાબતોમાં ઈસ્લામનો બચાવ કરવા માટે કૂદી પડતા બિન-ઈસ્લામિક કથિત વિદ્વાનોને છેવટે સચોટ, તર્કબદ્ધ અને જડબાતોડ જવાબ આપ્યો છે. અને તે દ્વારા છેવટે હવે ભારત એવો મજબૂત તર્ક રજૂ કરી રહ્યું છે કે સભ્યતાઓ જીવંત પરંપરાઓ દ્વારા વારસામાં મળે છે, માત્ર પ્રાચીન સમયની ભૌગોલિક સરહદોના આધારે નહીં.

સંસ્કૃતિ મંત્રાલયનો જવાબ

વાસ્તવમાં થોડા દિવસ પહેલાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર ‘પશુપતિ સીલ’ (પશુપતિ મુદ્રા) નો ફોટો પોસ્ટ કર્યો અને તેને અખંડ ભારતીય સભ્યતાની સાતત્યતાનો પુરાવો ગણાવ્યો, ત્યારે સરહદ પારથી (પાકિસ્તાનમાંથી) તેની સામે અત્યંત તીખી પ્રતિક્રિયાઓ આવી હતી. એટલું જ નહીં, પશ્ચિમી શિક્ષણવિદોના એક વર્ગે પણ તેને તાત્કાલિક ‘સુધારી’ દેતાં એવો દાવો કર્યો કે આ આકૃતિ કદાચ કોઈ ઈરાની દેવતાની હોઈ શકે છે, જેને ભારતીય નિરીક્ષકો ‘પ્રોટો-શિવ’ (શિવનું પ્રારંભિક સ્વરૂપ) તરીકે જોઈ રહ્યા છે.

પરંતુ તેના 4 દિવસ પછી, સંસ્કૃતિ મંત્રાલયે કંઈક એવું કર્યું જે સુખદ આશ્ચર્ય સમાન હતું. મંત્રાલયે પોતાના વલણને વધુ મજબૂત કરતાં “સિંધુ-સરસ્વતી સભ્યતા” નો આશરે 4500 વર્ષ જૂનો ટેરાકોટાનો પાસો (ડાઇસ) પોસ્ટ કર્યો અને એક એવી લાઇન લખી જે યાદ રાખવા જેવી છે: “સભ્યતાનો વારસો માત્ર ભૂગોળ કે ખંડેરો પરથી નક્કી નથી થતો, તે જીવંત રીત-રિવાજો, પ્રતીકો, ધાર્મિક વિધિઓ અને અખંડ સાંસ્કૃતિક ચેતના દ્વારા વ્યાખ્યાયિત થાય છે.”

સામાન્ય રીતે તો એવું જ જોવા મળ્યું છે કે, ભારત સરકાર આપણી ભૂતકાળની સભ્યતા વિશે વાત વાત થાય ત્યારે બચાવની મુદ્રામાં આવી જતી હતી. પરંતુ તાજેતરમાં માત્ર  5 દિવસમાં આ બે X પોસ્ટ કંઈક મોટો બદલાવ સૂચવે છે. આ પૂર્વ-આયોજિત વૈચારિક પ્રહાર એવા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે જે ભૂતકાળમાં સભ્યતાની ગતાગમ ન હોવા બદલ ટીકાઓનો સામનો કરી ચૂક્યું છે. હવે તે પોતાની સભ્યતા વિશે બીજાનાં પ્રવચનો સાંભળવા માંગતું નથી, પરંતુ હવે પોતાની વાત પોતે જ દુનિયાને કહેવા માંગે છે.

પાકિસ્તાનનો દંભ અને મક્કા-મોહેં-જો-દડોનો વિરોધાભાસ

ભારતીય સાંસ્કૃતિક મંત્રાલયની પોસ્ટ અંગે પાકિસ્તાન તરફથી જે જોરદાર વિરોધ આવ્યો તેમાં કશું નવું નથી. પાડોશી દેશમાં સ્વાભાવિક રીતે જ એક મોટો વર્ગ એવો છે જે ભારતીયતાની દરેક વાતને ધિક્કારે છે. એ સંદર્ભમાં અહીં બે ઘટનાનો ઉલ્લેખ કરવો જોઈએ.

થોડા સમય પહેલાં પાકિસ્તાની શાસ્ત્રીય નૃત્ય મંડળોએ લાહોરમાં દેશનો પ્રથમ કથક મહોત્સવ યોજ્યો હતો અને કથક, ઓડિસી તથા ભરતનાટ્યમને “સિંધુ ખીણ” (Indus Valley) માંથી ઉદ્ભવેલા અને તેથી “આ ક્ષેત્રના” (પાકિસ્તાનના) ગણાવીને નવું લેબલ લગાવી દીધું હતું. પાકિસ્તાની લગ્નોની વીડિયો રીલ્સમાં પણ હલદી, સંગીત, વરમાળા, ગરબા, દાંડિયા, દીવો અને આરતી જેવી સનાતન પરંપરાઓને મૂળ સ્ત્રોતનું નામ હટાવીને આધુનિક પરંપરાઓ તરીકે રજૂ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ટેસ્ટિંગ, પ્રથમ વિમાન લેન્ડ થયુંઃ જુઓ વીડિયો

જો કે, આ ચોરી પાછળનો તેમનો તર્ક તદ્દન ખોટો છે. મક્કા અને મોહેં-જો-દડો વચ્ચેનો આંતરિક વિરોધાભાસ એટલો ઊંડો છે કે પાકિસ્તાને પોતે તેની નોંધ લેવાનું બંધ કરી દીધું છે. પોતાની પ્રાચીનતા સાબિત કરવા માટે મોહેં-જો-દડોનો હવાલો આપવો અને પવિત્રતા સાબિત કરવા માટે કાલ્પનિક આરબ કે તુર્ક વંશાવળીનો દાવો કરવો – આ બંને વાતો એકસાથે ન ચાલી શકે.

હકીકતે, જે શાસન વ્યવસ્થા પોતાને મક્કા અને મદીનાના રક્ષક તરીકે રજૂ કરે છે (જે વાસ્તવમાં પાકિસ્તાનથી હજારો કિલોમીટર દૂર રણ અને સમુદ્ર પાર આવેલું છે), જેની ધાર્મિક માનસિકતા હંમેશા એવું માને છે કે સભ્યતા માત્ર તલવારના જોરે જ આગળ વધે છે, અને જે પોતાની ઓળખ જ ઉપખંડના પ્રી-ઇસ્લામિક (ઇસ્લામ પૂર્વેના) ઇતિહાસથી ધર્માંતરણ કરીને અલગ થવામાં માને છે, તે જ શાસન વ્યવસ્થા હવે અચાનક પાછળ જઈને એ પ્રાચીન ઇતિહાસને પોતાનો ન ગણાવી શકે. તેઓ માત્ર વર્તમાન નકશાના આધારે સિંધુ ખીણ પર પોતાનો હક જતાવી શકે નહીં.

બેવડાં ધોરણ ન ચાલે

જે ધાર્મિક વિચારધારા પાકિસ્તાનને મક્કા સાથે જોડે છે, તે જ વિચારધારા તેને મોહેં-જો-દડો સાથે સંબંધ રાખવાની મનાઈ કરે છે. તમે તમારા પૂર્વજોને એક તરફ ‘કાફિર’ ગણો છો અને બીજી તરફ તેમને પોતાના પૂર્વજો ગણાવવા માગો છો? આવું કેવી રીતે બની શકે! વારસો એ કોઈ બુફે (જમણવાર) નથી જેમાંથી તમને ધાર્મિક રીતે અયોગ્ય લાગતી વાનગીને તમે છોડી દો.

સાંસ્કૃતિક ચોરી અને ‘સાઉથ એશિયન’ નામનું હથિયાર

સાંસ્કૃતિક ચોરી પછી વિકૃતિ શરૂ થાય છે. પશ્ચિમી બદમાશ બુદ્ધિજીવીઓ પશુપતિ મુદ્રાને ફરીથી વ્યાખ્યાયિત કરીને તેને કોઈ સામાન્ય યુરેશિયન દેવતા તરીકે દર્શાવે છે. આપણી નૃત્ય પરંપરાઓ તેમના એજન્ડા અનુસાર “સાઉથ એશિયન ક્લાસિકલ આર્ટ્સ” બની જાય છે. યોગનું નામ બદલીને તેને સામાન્ય “સાઉથ એશિયન વેલનેસ” બનાવી દેવાના ઉધામા થાય છે. તેથી આગળ વધીને આપણી પવિત્ર ધાર્મિક વિધિઓને પશ્ચિમી બૌદ્ધિકો માત્ર “સૌંદર્ય શાસ્ત્ર” (Aesthetics) નું નામ આપી દે છે.

એ લોકોની આ અંતિમ ચાલ સૌથી જોખમી છે. “સાઉથ એશિયન” શબ્દ દ્વારા તટસ્થતા રજૂ કરવાનો પ્રયાસ થાય છે. આ શબ્દ એક સ્કેલ્પેલ (સર્જિકલ બ્લેડ)ની જેમ કામ કરે છે. તે હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ વંશાવળીને એ પરંપરાઓમાંથી કાપી નાખે છે જે આ ધર્મોએ શોધી અને જીવંત રાખી હતી, અને બચેલા ભાગને બધાનો સામાન્ય ભાગ કહીને રજૂ કરે છે.

આ પણ વાંચોઃ આંદોલનના નામે યુવાનોની બલી, નેતાઓનું વૈભવી જીવન અને નિર્દોષો પર કેસની કડવી વાસ્તવિકતા

હાલ આ લોકો યોગને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી તેવો પ્રચાર કરે છે. આગામી સમયમાં આ જ વાત પશુપતિ મુદ્રા, ભગવાન શિવ અને સિંધુ-સરસ્વતી સભ્યતા માટે પણ કહેવામાં આવશે. એકવાર આ વિચારને સ્વીકારી લેવામાં આવે, પછી મૂળ સંસ્કૃતિ પોતાના અધિકારનો બચાવ કરનારને અંતિમવાદી-રૂઢિવાદી ચીતરવામાં આવી શકે.

લાહોરની શેરીઓનું ઉદાહરણ

બીજું ઉદાહરણ પાકિસ્તાનની અંદર પણ આ જ માનસિકતા સમાંતર રીતે કામ કરે છે તેનું છે. ‘લાહોર ઓથોરિટી ફોર હેરિટેજ રિવાઈવલ‘ દ્વારા વિભાજન પૂર્વેના લાહોરની શેરીઓ અને વિસ્તારોના જૂનાં નામો પુનઃસ્થાપિત કરવાનું નક્કી કરાયું હતું. જેમ કે, ‘ઇસ્લામપુરા’ ફરીથી ‘કૃષ્ણ નગર’ બનવાનું હતું અને ‘જૈન મંદિર ચોક’ પર તેનું જૂનું સાઇનબોર્ડ લાગવાનું હતું. આ પ્રોજેક્ટ માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું, અખબારોએ તેની પ્રશંસા કરી હતી અને વિદેશોમાં તેને પાકિસ્તાનની ઉદાર છબી તરીકે રજૂ કરાયું હતું.

જો કે, આ દેખાડાની ઉદારતા લાંબો સમય ટકી શકી નહીં. સ્થાનિક કટ્ટરપંથી જૂથો અને સોશિયલ મીડિયા વ્લોગર્સે આનો વિરોધ કર્યો ત્યારે આ યોજનાને ચુપચાપ મુલતવી રાખવામાં આવી. હિન્દુ વારસાનો ઉપયોગ માત્ર વિદેશમાં બ્રાન્ડિંગ ચમકાવવા માટે થાય છે અને ઘરઆંગણે કટ્ટરપંથીઓ સામે તેને પડતો મૂકવામાં આવે છે.

ઇતિહાસ અને સાતત્યતાની જીત

સંસ્કૃતિ મંત્રાલયે આ રમતમાં સામેલ થવાનો સાફ ઇનકાર કરી દીધો છે. ભારતનો પક્ષ સંપૂર્ણપણે ‘સાતત્યતા’ પર આધારિત છે. આ વારસો ભારતનો છે કારણ કે ભારતે ક્યારેય આ પરંપરાઓને છોડી નથી – પશુપતિ મુદ્રા પર કંડારેલી મુદ્રાઓ આજે પણ શાસ્ત્રીય નૃત્યમાં જીવંત છે, કાલીબંગન જેવા પ્રાચીન સ્થળોની વેદીઓ પરની અગ્નિ આજે પણ દરેક યજ્ઞમાં પ્રજ્વલિત થાય છે, વૈદિક કાળના જુગારીના ભજનવાળો પાસો આજે પણ દિવાળી પહેલા દરેક ઘરમાં રમાય છે, અને સવારની પ્રાર્થનાઓ આજે પણ દરેક મંદિરમાં ગુંજે છે.

એ સંદર્ભમાં આ બે સોશિયલ મીડિયા પોસ્ટ એવા ભારતીય રાજ્યની શરૂઆત હોઈ શકે છે જેણે સ્પષ્ટ સત્ય બાબતો પર ગિલ્ટ અનુભવવાનું, માફી માંગવાનું બંધ કરી દીધું છે. પશ્ચિમી શૈક્ષણિક જગત અને સાંસ્કૃતિક ચોરી કરનારાઓ તરફથી વિરોધ આવતો રહેશે. ક્યારેક આ વિરોધ અંદરથી પણ આવશે. પરંતુ હવે આપણું કામ આ આત્મવિશ્વાસ અને માલિકીના ભાવને કોઈ અપવાદ નહીં, પણ આપણી કાયમી ઓળખ બનાવવાનું છે.

Exit mobile version